સમયની કરવટે ગાડાંનું અસ્તિત્વ ભૂંસ્યું

સમયની કરવટે ગાડાંનું અસ્તિત્વ ભૂંસ્યું
ઉમર ખત્રી દ્વારા - મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 25 : કહેવત છે કે, સમય સમય બલવાન. જેમ માણસ ગમે એટલો સશકત હોય તેને ઘડપણ આવે તેમ બદલતા યુગમાં વિવિધ ટેકનોલોજીના કારણે જીવન, રાજિંદા કામ, રોજબરોજ ઉપયોગી વસ્તુઓમાં પણ પરિવર્તન આવે અને આ બદલાતા યુગ પ્રમાણે એવી વસ્તુઓ જરીપુરાણી બની જાય. પહેલાંના જમાનામાં  વાહનો ન હતા, ત્યારે ખેતી, ખેતર, ખેડ વિ. માટે ગાડાંનો ઉપયોગ થતો. અરે એટલું નહીં પણ પાંચ-સાત કિ.મી.ના કામ અર્થે કે નજીક ભરાતા મેળામાં લોકો ગાડામાં જ જતા, પણ હવે વાહન આવતાં આ ગાડાં જાણે ભૂતકાળ બની ગયાં હોય તેવું લાગી રહ્યું છે. ગાડાની વાત કરીએ તો જે-તે વખત ખેડૂતો સવારના સહપરિવાર શિરામણ કરીને જતા, બપોરે પાછા આવતા અને ફરી પાછા જમીને વાડી-ખેતરે કામ પર પરોવાયેલા રહેતા. મતલબ ગાડાંની  દિનચર્યા આખો દિવસ રહેતી. ગાડાંના ચલણ સમયે કારીગરોને પણ રોજનું કામ મળતું. એક ગાડું બનાવતાં ચાર કારીગરોને 10 દિવસ લાગતા. તે વખતે એક ગાડું બારથી પંદર હજારમાં તૈયાર થતું. 70ની વય વટાવી ચૂકેલા સુથાર ઇસ્માઇલ અયુબ ખત્રીએ  કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું કે, ગાડાંનું રાજ હતું ત્યારે કારીગરો પાસે લાઇનો લાગતી. ગાડાં બનાવવાની મુખ્ય વસ્તુ ઓજપા, મકડી, ઉટડો, પાવર (પાઇયા), ગુડિયા, ચોમાર, પેજી વિ. પુરજાનો ઉપયોગ થતો, જે ગાડાનો હાંકનાર બેસે તે સીટને માકડી કહેવાય. એને આગળ જ્યાં ગાડાના ગળા પર લાકડું આડે ખેંચવાનું રાખવામાં આવે એને ફાચર કહેવાય.ગાડું શરૂઆતમાં સાગવાન, સિસમના લાકડાંમાંથી બનતું અને ગાડાંના પાવર (પાઇયા) કારેલ લાકડામાંથી બનતાં. સમય જતાં લાકડા મોંઘા થતાં અમુક તો લીમડા, બાવળના લાકડાંમાંથી ગાડાં બનતાં. મેળે મલાખડે ગાડાને રંગ-રોગાનથી સજાવવામાં આવતા. પહેલાં રસ્તા ન હતા. લોકો વાડીધારકો ખેતરે ગાડાથી જતા અને એ રસ્તા પર સતત રોજબરોજ ગાડાની અવર-જવર રહેતી અને એ રસ્તાને ગાડાવાટ કહેવાય છે જે આજે રસ્તા બની જતાં ગાડા વિસરાયાં તેમ ગડાવાટ પણ ખોવાઇ ગઇ. આમ એક જમાનો હતો ગાડાંનો, પણ સમયનો તકાજો બદલતાં એ ગાડાંને ઘડપણ આવી ગયું ને અમુક ઠેકાણે ભંગારમાં પડી રહ્યા છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust