કપાસના જાંગડ સોદા કોને ફળશે તેના પર મીટ

કપાસના જાંગડ સોદા કોને ફળશે તેના પર મીટ
કાઠડા (તા. માંડવી), તા. 25 : વર્ષ 2021-22 ગત વર્ષે કપાસની બજાર 40 કિલોના 2200થી શરૂ થઇ 4700 સુધી પહોંચી હતી. જ્યારે ગુજરાતભરમાં વધીને 5500 સુધીના સોદા થયા હતા. જેથી ચાલુ વર્ષે પણ કપાસની બજાર સારી રહેશે તેવી આશા ખેડૂતોને બંધાઇ હતી. ચાલુ વર્ષે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે અનેક કપાસના જાંગડ સોદા થયા છે, જે કોને ફળશે તે તો સમય જ બતાવશે. જાંગડ સોદા એટલે શું ? તે જાણવું જરૂરી હોતા કપાસ કે અન્ય માલ વેપારી લેવા આવે ત્યારે ભાવ નક્કી ન થાય અને જ્યારે ખેડૂતને ઇચ્છા થાય કે, હવે ભાવ બરાબર છે ત્યારે તે સોદો પાકો કરીને વેપારીએ ઉપાડેલ માલની રકમ મેળવી શકે છે. જેને જાંગડ સોદો કહેવાય. ચાલુ વર્ષે કપાસના વેચાણમાં 40 ટકા એવા સોદા થયા હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતો અને વેપારીઓ પાસેથી મળતી માહિતી મુજબ 40 કિલો કપાસના ભાવ 3050થી વધીને 3800 સુધીના સોદા થયા હતા. અને ગત વર્ષ વધુ બજાર રહેતા હજી બજાર વધશે તેવી આશા સાથે કચ્છમાં માત્ર 35 ટકા ખેડૂતો જ કપાસનો પાક (જથ્થો) વેચ્યો છે. જ્યારે હજી 65 ટકા ખેડૂતો કપાસને વેચાણ કરવા તૈયાર નથી તેમજ સારા ભાવની આશા સેવી રહ્યા છે. આ અંગે તાલુકા કિશાન સંઘ પ્રમુખ રતિલાલભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, કચ્છમાં દાડમ સહિતના બાગાયતી પાકોનું વાવેતર વધ્યું છે. જેથી કપાસનું વાવેતર 60થી 70 ટકા જ રહ્યું છે અને ચાલુ વર્ષે વધુ ચાલેલા વરસાદથી ઉત્પાદન પણ 50થી 60 ટકા જ રહેશે. મજૂરી સહિત  મોંઘારત વધતાં સસ્તા ભાવે ખેડૂતોને કપાસ આપવું પરવડતું નથી. જેથી હાલમાં અનેક ખેડૂતો સારા ભાવની આશા બંધાતા જથ્થો વેચાણ કરવા તૈયાર નથી. બાકી જે વેચાણ કર્યું છે તે મોટા ભાગના ખેડૂતો જાંગડ ભાવમાં વેચાણ કર્યું છે. પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે પણ વિચારવું જોઇએ. આ અંગે આર્ય કોટન ઝીન માંડવી તથા અંજારના કિશોરભાઇ વાડીયાનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષ સારા ભાવ રહેતા ખેડૂતોમાં મોટી આશા બંધાઇ છે અને કપાસ વેચવા તૈયાર નથી અને ઉચ્ચકક્ષાએ ભાવમાં તેજી ન લાગતાં વેપારીઓને વધુ ભાવ આપવા પરવડતું નથી. જેથી અમારી કપાસની મીલો જથ્થો પૂરતો ન હોતાં એકાંતરે ચાલુ રહે છે. કપાસની બજારમાં તેજી આવશે કે, કેમ જે અંગે પુછતા શ્રી વાડીયાએ ઉમેર્યું કે, બજારની વધઘટ વૈશ્વિક લેવલે રહે છે. હાલની બજાર 3200થી 3600 સુધીની છે. ચાલુ વર્ષે 3050થી 3800 સુધીની રહી છે. પણ આવનારા સમયમાં કેટલી તેજી મંદી આવશે તેમજ જાંગડ વેપાર કોને ફળશે તે પણ સમય જ બતાવશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust