ભુજની સમસ્યા ઇમાનદારીપૂર્વક હલ કરવાની ખાતરી

ભુજની સમસ્યા ઇમાનદારીપૂર્વક હલ કરવાની ખાતરી
ભુજ, તા. 25 : ભુજ વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે તુરંત ખાસ કરીને ભુજ શહેરના વિકાસ માટે અને ખૂટતી કડી પૂરી કરવા જુદા-જુદા વિભાગો સાથે બેઠકો યોજી નાગરિકોની ફરિયાદોનો અંત લાવવા પ્રયાસ કર્યો છે. એક લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાયા પછી જે જવાબદારી આવે છે તે પૂર્ણ કરવા ઇમાનદારીથી પ્રયાસો કરવા જોઇએ ને મેં શરૂ કરી નાખ્યા છે તેવું તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું. શહેરની માળખાંકીય સુવિધાઓ જેવી કે ટ્રાફિકના પ્રશ્નો હોય કે પાર્કિંગ, ગટર, પીવાનું પાણી આ તમામ પ્રશ્ને શહેરીજનો સંતુષ્ટ નથી, ખરેખર શું કરવું જોઇએ એ મુદ્દે વાત કરતાં શ્રી પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં કલેકટર, પ્રાંત અધિકારી, નગરપાલિકાના પ્રમુખ, નગરસેવકો વગેરે સાથે અલગ-અલગ બેઠકો યોજી હતી અને સ્પષ્ટ શબ્દોમાં  મહેતલ પણ આપી હતી. ગટર સમસ્યા અંગે વાત કરીએ તો ગટર યોજના ભૂંકપ પછી જી.યુ.ડી.સી દ્વારા હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્યારે ખૂબ જ ઉતાવળથી કામ થતું હોય એવું લાગે છે, એટલે જ શહેરમાં ગમે ત્યાં ગટર ઊભરાવવાના કિસ્સા બનતા હતા. નગરપાલિકાને ગટર યોજના સોંપણી થયા બાદ કિસ્સા બનતા હતા એ હકીકત છે, જોઇએ એવી સફળતા મળી નથી અને છેલ્લા એક વર્ષથી તો મુશ્કેલી વધી ગઇ ગઇ હતી. આ મુદ્દે રસ્તો કાઢવા નગરપાલિકાના પદાધિકારીઓને  બોલાવી સૂચના આપી ને કહ્યું કે, હવે ભુજવાસીઓ થાકી ગયા છે. આખરે નગરપાલિકા તંત્રે ગંભીરતા સમજી ઉકેલ લાવ્યો છે ને હાલમાં સમસ્યા ઉદ્ભવતી નથી, પીવાનાં પાણીની બાબતમાં પણ ફરિયાદો આવી હતી. ભારાપર પાણી યોજનાનું નર્મદા સાથે જોડાણ જ ન હતું. શા માટે પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમાં ન મળે કેમ કે 45 એમ.એલ.ડી. નર્મદાનું પાણી આવે છે છતાં આવું કેમ ? પીવાનાં પાણીના સ્ટોરેજ માટે ટાંકા હોવા જોઇએ એટલે આઠ ટાંકા બની ગયા છે. ભારાપર યોજના સાવ બંધ કરવાની સૂચના આપી કારણ કે અમુક લોકોના એમા હિત હતા. આખરે અઠાડિયાની મહેતલ આપવામાં આવી હતી, સફાઇ માટે પણ નગરસેવક કમલ ગઢવી, મુખ્ય અધિકારીને બોલાવી શહેરના મુખ્ય રોડ તો ચોખ્ખા, ચણક હોવા જોઇએ, કયાંય કચરો ન દેખાય, ધૂળ?પણ ન હોવી જોઇએ. આ પ્રકારની તાકીદ કરવામાં આવી છે. ગેસવાળા કે અન્ય કયાંય ખોદાણ થાય તો પેચવર્ક તુરંત થઇ જાય અને આ દિશામાં કામ ચાલે છે તેવું શ્રી પટેલે જણાવ્યું હતું.સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિકનો છે એ વાત સાચી છે, પાંચ દિવસ પહેલાં જ પ્રાંતઅધિકારી સાથે બેઠક કરી હતી. સૌથી વધુ ભારણ જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર છે, તો અહીં ભારણ ઘટે, નજીકના રસ્તા શોધી વન-વે કે અન્ય કોઇ સુજાવ શોધવા અને ટ્રાફિક સમસ્યા હલ કરવા જણાવ્યું છે. જ્યાં નડતરરૂપ દબાણ હોય હટે,  ભારે વાહનોવાળાને ભુજમાં પ્રિન્સ રેસિ. પાસેથી કે હિલગાર્ડન રોડ પરથી અન્ય કોઇ નવા બાયપાસ મળે તો ભુજમાં  આવે જ નહીં તેવું જણાવવામાં આવ્યું છે. ડી.પી., ટી.પી.ની  સમસ્યા છે તો આ કિસ્સામાં નવી યોજના બને, ઓછા લોકોને અસર થાય એ રીતે નવેસરથી યોજના બનાવી સરકારમાં મૂકવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી હોવાનું કહ્યું હતું. શહેરના પાર્કિંગ પ્લોટ છે એવું કહેવામાં આવે છે તો આ પ્લોટ કયાં છે તે શોધી જો દબાણ હોય તો ખાલી કરાવવા અને પાર્કિંગ વ્યવસ્થાનું પાલન કરાવવા પણ?સૂચના આપવામાં આવી છે. જો જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે સમસ્યા વધુ છે તો જ્યુબિલી  ગ્રાઉન્ડ અંદર જે ખૂણો છે ત્યાંથી જગ્યા બનાવી દિવસ દરમ્યાન રમત-ગમતને નડતર ન થાય એ રીતે પાર્કિંગ કરવામાં આવે તો   શું ??આ સવાલ સામે તેમણે જણાવ્યું કે આ રમત-ગમતનું મેદાન છે, જવાબદારો સાથે પરામર્શ કરવો પડે કે અહીં પાર્કિંગ શકય છે કે નહીં.એસ.ટી. બસ સ્ટેશન નવું બને છે ત્યારે આગળની દુકાનોની સમસ્યા અંગે વેપારીઓ-તંત્ર વગેરે સાથે વાત કરી હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તેમણે કચ્છના સાર્વજનિક વિષય અંગે પણ જવાબદારો સાથે ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું. નર્મદાના સિંચાઇનાં પાણી સમગ્ર કચ્છમાં પહોંચે, તમામ ડેમ ભરાઇ જાય એ માટે તમામ ધારાસભ્યો સાથે બેઠક કરી આ અંગે ઝડપથી સર્વે થઇ જાય અને પરિણામ મળે તેવું આયોજન ગોઠવાતું હોવાનો કોલ આપ્યો હતો. ભચાઉ-ભુજ વાયા દુધઇ રોડ જે ફોરલેન માટે અધૂરો છે તે પણ ફોરલેન બની જાય, ભુજથી નખત્રાણા રસ્તો જે ફોરલેન બને તે ખૂબ જ જરૂરી છે અને ટૂંક સમયમાં આ બંને બાબતો હાથ ઉપર લેવાશે એ બાબતે મુખ્યમંત્રી સાથે ચર્ચા થયેલી છે અને આગળ વધશું એવી વાત કરી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust