કચ્છ તરફ આવતી ખાનગી ટ્રાવેલ્સની બસ વાધરવા પાસે પલટતાં 16 ઘાયલ

કચ્છ તરફ આવતી ખાનગી ટ્રાવેલ્સની બસ વાધરવા પાસે પલટતાં 16 ઘાયલ
ભુજ, તા. 25 : કચ્છ તરફ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ આજે વહેલી સવારે હળવદ-માળિયા હાઇવે પર વાધરવા ગામના પાટિયા પાસે પલટી મારી જતા બસમાં સવાર કચ્છ તેમજ બહારના 16 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. આ ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સવારે 5.30 વાગ્યાની આસપાસ હળવદ-માળિયા હાઇવે પર વાધરવા ગામના પાટિયા પાસે પટેલ ટ્રાવેલ્સની ખાનગી બસ નંબર એન.એલ.-01 બી-2324 કચ્છ તરફ આવી રહી હતી. એ સમયે ડ્રાઇવરને ઝોકું આવી જતાં બસ પલટી ખાઇ ગઇ હતી. આથી બસમાંના પ્રવાસીઓની ચિચિયારીઓ ગૂંજી હતી. બસ પલ્ટી મારી જવાના કારણે 16 જેટલા મુસાફરોને ઇજાઓ થઇ હતી અને તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલાને ગંભીર રીતે ઇજા થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે મોરબીની પાંચ જેટલી 108 અને તેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને સત્વરે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં  ઘાયલ?થયેલા ઇજાગ્રસ્તોમાં ધોળકાના વિપુલભાઇ રમણભાઇ પ્રજાપતિ, અમદાવાદના વિનુભાઇ પરમાર, વિજયભાઇ રામચંદ્ર ગુપ્તા, આણંદના ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ, વડોદરાના સૌરભ સોની, આદિપુરના દીપક પરસોતમ આણંદદાની, કલ્પના દિપક આણંદદાની, અંજારના રવિભાઇ પટેલ, ગાંધીધામના ઇર્ષાદભાઇ આલમભાઇ, દિનેશભાઇ કાંતિલાલ, અમદાવાદના કાનો દિનેશભાઇ, સામખિયાળીના દિગ્વિજયસિંહ કાનભાઇ અને ગાંધીધામના લીલાબેન રાજેશભાઇનો સમાવેશ થાય છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust