ઘડુલી પુલિયાનાં ડાયવર્ઝનમાં બાઇક ધબાય થતાં સાંયરાના યુવાનનું મોત

ઘડુલી પુલિયાનાં ડાયવર્ઝનમાં બાઇક ધબાય થતાં સાંયરાના યુવાનનું મોત
દયાપર (તા. લખપત), તા. 25 : લખપત તાલુકાના ઘડુલી-વિરાણી વચ્ચે ચાલતા એક પુલિયાના ડાયવર્ઝન પાસે સાંયરા ગામના આશાસ્પદ 26 વર્ષીય યુવક દિલીપસિંહ રાણાજી જાડેજાનું મૃત્યુ થતાં રસ્તા કામના ઠેકેદાર સામે રોષ વ્યાપ્યો છે અને મૃતકના પરિવારે ખાનગી ઠેકેદારની બેદરકારી બાબતે ફરિયાદ નોંધાવી છે. ઘડુલી-વિરાણી વચ્ચે રસ્તાના કામનું મરંમત થઇ રહ્યું છે ત્યારે આ પુલિયાની બાજુમાં ડાયવર્ઝન બનાવાયો છે પરંતુ રસ્તા વચ્ચે કોઇ `આડસ' કે માટીનો ઢગલો ન રખાતાં તેમજ ઘણા સમયથી આ પુલનું મરંમત થઇ ગયા પછી તેમાં માટી ન પૂરાતાં આજે વહેલી સવારે બાઇકચાલક આ પુલમાં ખાબકતાં કરુણ મોત થયું હતું. સાંયરા ગામના આગેવાનોએ માહિતી આપતાં કહ્યું હતું કે, ઘડુલી-વિરાણી વચ્ચે આ પુલના કામને બે માસ થયા હજુ માટી નાખી ખાડો પૂરાયો નથી. વળી ક્યાંય રેડિયમ પટ્ટી કે માટીનો ઢગલો રોડ વચ્ચે ન રખાતાં રાત્રે આવતા અજાણ્યા વાહનચાલકો અચાનક બ્રેક લગાવે અને કંટ્રોલ ન થાય તો મોટો અકસ્માત થવાની ભીતિ રહી છે. આ બાઇકચાલક દિલીપસિંહ મુંદરા ખાતે નોકરી કરે છે. તેમના ગુનેરી ખાતે સંબંધીના ઘરે લગ્ન પ્રસંગે હોવાથી પોતાના ગામ સાંયરા આવી રહ્યા હતા. વહેલી સવારે આવતા આ બાઇકચાલકને રસ્તા વચ્ચે કોઇ `આડસ' કે માટીના ઢગલા કશું ન દેખાતાં તે સીધેસીધા આ પુલ પર આવતાં વચ્ચે 9 ફૂટના ખાડામાં પડી ગયા હતા અને ગંભીર ઇજાઓ થતાં કરુણ મોત થયું હતું. રસ્તાના કામના આ ઠેકેદારની બેદરકારી અને રસ્તા કામ ચાલુ હોવાના કોઇ `આડસ' રેડિયમ પટ્ટી કે સંકેત ન રખાતાં તેની વિરુદ્ધ હઠુભા સરૂપાજી જાડેજાએ એમ.કે.સી. કંપની વિરુદ્ધ કામમાં બેદરકારીના કારણે યુવાનના મૃત્યુ અંગે દયાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે લખપત તાલુકામાં રોડ કામ ચાલુ છે પણ ક્યાંય સુપરવાઇઝરો કે ઇજનેરો દેખાતા નથી, પરિણામે કામ પૂરું થયા પછી હાઇવે વચ્ચો-વચ્ચ આવેલા ખાડા, આર.સી.સી. પાઇપો પર માટી નાખીને પૂરાણ કરવું જોઇએ તે થતું નથી. એટલું જ નહીં હાઇવે પરના કામોમાં ડાયવર્ઝન પણ પાકા બનાવવાના હોય છે, જે `કાચા' બનાવી ખાડા-ટેકરાવાળા ડાયવર્ઝનને પાકા બતાવી `રકમ' ચાઉં થઇ જાય છે. હાલમાં આ ઠેકેદારની બેદરકારી સાથે ખરેખર અધિકારીઓ ઠેકેદારને સૂચના આપી છે કે નહીં તેની તપાસ થવી જોઇએ. ગ્રામજનોએ આજે આ ઠેકેદારની બેદરકારી પ્રત્યે રોષ ઠાલવ્યો હતો અને દવાખાનામાં ટોળા વળ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust