નખત્રાણા-માતાના મઢ ધોરીમાર્ગ પર કોટડા પાસે પુલની દીવાલ અસુરક્ષિત

નખત્રાણા-માતાના મઢ ધોરીમાર્ગ પર કોટડા પાસે પુલની દીવાલ અસુરક્ષિત
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 25 : નખત્રાણાથી માતાના મઢને જોડતા ધોરીમાર્ગ પરના કોટડા ગામ પહેલાં પુલ પરની સાઈડની બન્ને દીવાલના લોખંડના પાંજરા બન્યા, પણ આર.સી.સી. ન કરાતાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ રસ્તા પર ટ્રાફિક નિયમના પટ્ટા પણ નથી ચિતરાયા, તો અમુક વળાંક પર રેડિયમના સાઈનબોર્ડ પણ નથી લગાવાયા. જાગૃત નાગરિક ગુલામ મકવાણાએ જણાવ્યું હતું કે, નખત્રાણાથી આગળ કોટડા ગામેથી પહેલાં પુલ બન્યો, પણ તેની બન્ને સાઈડોમાં ખાલી પીંજરા બનાવીને છોડી દેવાયા છે. અતિમહત્ત્વના આ હાઈવે પર ના. સરોવર, માતાના મઢ, કોટેશ્વર, હાજીપીર જેવા યાત્રાધામો તો અનેક કંપનીઓના માલનું પરિવહન કરતા ભારેથી અતિભારે વાહનો ઉપરાંત પવનચક્કીની સામગ્રી ભરીને ભારે વાહનોની અવર-જવરથી ધમધમતા હાઈવે પરના પુલ પરની દીવાલ અસુરક્ષિત છે, તો ઓવરટેકની લ્હાયમાં પુલ પર અકસ્માતનો સતત ભય રહે છે. આ પુલની દીવાલને આર.સી.સી.થી મઢીને સલામત બનાવાય એ જરૂરી છે. આ હાઈવે નવો બન્યો તેને ઘણો સમય થયો છતાં અમુક વિસ્તારમાં નિયમ પ્રમાણે પટ્ટા પણ નથી કરાયા. હાઈવેની બન્ને સાઈડોમાં રસ્તો સમથળ થાય તે માટે સાઈડો ભરવી જરૂરી છે. ગતિમાં આવતા મોટા વાહનો થકી નાનાને ખાસ કરી ટુ વ્હીલરવાળા વાહનો આ સાઈડો સમથળ ન થતાં ભટકાવાનો ભય રહે, તો ચત્રભુજવાડી પાસે જે જોખમી વળાંક છે ત્યાં સાઈન બોર્ડ પણ નથી લગાવાયું. (તસવીર-અહેવાલ : ઉમર ખત્રી) વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust