સહિયારા પ્રયાસોથી વિકાસકામોને વેગ અપાશે

નખત્રાણા, તા. 25 : અહીં તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2023-24ના 27.51 લાખનું પુરાંત નવું બજેટ રજૂ કરવાની સાથે 15મા નાણાપંચના 2023-24ના રૂા. 2 કરોડ ચાલીસ લાખનાં કામોને બહાલી આપવામાં આવી હતી.આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનું તાલુકા વિકાસ અધિકારીની દિલીપભાઇ ઠક્કર, જયસુખભાઇ પટેલનું સન્માન કર્યું હતું. ધારાસભ્યએ પ્રવચનમાં કહ્યું હતું કે, વિકાસના કામોમાં જે ખૂટતી કડીઓ છે તેની પૂર્તતા સાથે વિકાસના કામોમાં ઝડપ લાવવાની સાથે સૌ સાથે રહી વધુને વધુ વિકાસના કામોને વેગ મળે તેવા સહિયારા પ્રયાસો કરશું. તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઇ પટેલે ઉદ્બોધનમાં જણાવ્યું કે, મનરેગાના કામો છે. તેમાં ઝડપ આવે તે માટે તાલુકા પંચાયતના સદસ્યોએ પોતાના ક્ષેત્રમાં તાત્કાલિક કામો થાય તેનું ધ્યાન રાખવાની સાથે 26મી જાન્યુઆરી પ્રજાસતાક દિવસે તમામ સદસ્યો અધિકારીઓ, પદાધિકારીઓ અને પોતાના વિસ્તારમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. તાલુકા પંચાયત પાસે પોતાનું વાહન ન હોતાં નવા વાહનની ખરીદી માટે ઠરાવ કરાયો હતો. તાલુકા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મીરાબેન ગઢવી, રચનાબેન ગોહીલની બદલી થતાં તેમને વિદાય અપાઇ હતી. તો નવા વિસ્તરણ અધિકારી તરીકે આવેલા વર્ષાબેન જાની, દિપાબેન આચાર્યને આવકારવામાં આવ્યા હતા. આ સભામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, સા. ન્યા. સ. ચેરમેન લીલાબેન મહેશ્વરી, કારોબારી ચેરમેન મહેન્દ્રસિંહ સોઢા, ઇકબાલ ઘાંચી, ઉત્પલસિંહ જાડેજા, ગોરધનભાઇ રૂડાણી, દિનેશ નાથાણી, કેતનભાઇ પાંચાણી, સ્વાતિબેન ગોસ્વામી, હોતખાન મુતવા, દક્ષાબેન બારૂ, ઓસમાણ સુમરા, નવીનભાઇ, હરિભાઇ ચારણ, ભાવનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજેશભાઇ પલણ, તા. પંચાયતના મેહુલભાઇ પંચાલ, રમેશભાઇ ગરવા, ડુંગરભાઇ સહિતના હાજર રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com