કુદરતને બચાવવાના સંદેશને લઈ ગાંધીધામમાં રેલી યોજાઈ

કુદરતને બચાવવાના સંદેશને લઈ ગાંધીધામમાં રેલી યોજાઈ
ગાંધીધામ, તા. 25 : અહીંના કચ્છ તમિલ વેલ્ફેર એસો. દ્વારા સેવ અર્થ - સે નો ટુ પ્લાસ્ટિકનો સંદેશ આપતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતને બચાવવાનો સંદેશ આપતા આ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરાયું હતું. શહેરની ગાંધી માર્કેટમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને વંદન કરી પાલિકા પ્રમુખ ઈશિતા ટીલવાણીએ આ રેલીને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવી હતી. શિણાયની સેન્ટ ઝેવિયર્સ પબ્લિક શાળાના આચાર્ય ફાધર જોઝે શાળાના બેન્ડ સાથે આ રેલીનું નેતૃત્વ કર્યુ હતું. શહેરની મુખ્ય બજારમાં થઈ આ રેલી ઝંડા ચોક ખાતે પૂર્ણ થઈ હતી. ઝંડા ચોક ખાતે ઉપસ્થિત લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા શપથ લીધા હતા. આ વેળાએ હાજર તમામ લોકોને ખાદીની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેલી અંતર્ગત સૂત્રો અને પોસ્ટ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં સેન્ટ ઝેવિયર્સ પબ્લિક સ્કૂલ, ગુરુનાનક પબ્લિક સ્કૂલ, મોડર્ન સ્કૂલ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ, સેવી ઈન્ટરનેશન સ્કૂલ, માઉન્ટ લીટેરા ઝી સ્કૂલ, સનફલાવર સ્કૂલ, ગજવાણી ઈન્ટરનેશન સ્કૂલ વગેરે શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો તેવા સંદેશા સાથે પોસ્ટર હાથમાં લઈ સૂત્રોચ્ચાર કરી ઉત્સાહપૂર્વક રેલીમાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોને સંસ્થા દ્વારા ઈનામ અપાયા હતા. ર્સ્પામાં ગજવાણી સ્કૂલ પ્રથમ અને સેન્ટ ઝેવિયર્સ પબ્લિક સ્કૂલ દ્વિતીય રહી હતી. આ વેળાએ બીનાબેન પરીખની યાદમાં તેમની જન્મજયંતી નિમિત્તે કાકુભાઈ પરીખ સ્કૂલ દ્વારા વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ વેળાએ ડી.પી.ટી.ના સેક્રેટરી સી. હરિચંદ્રન, પાલિકા પ્રમુખ ઈશિતાબેન, ચેરમેન પુનિત દુધરેજિયા તથા ગોવિંદ દનિચા વગેરે હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તમિલ વેલ્ફેર એસો.ના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust