ગઢશીશાની માનસિક બીમાર પરિણીતાએ ચાંચડ મારવાની દવા પી લેતાં સારવારમાં મોત
ભુજ તા. 25 : ગઢશીશાની 32 વર્ષીય પરિણીતા સબીરા રજાક રાયમાએ માનસિક બીમારીના પગલે ચાંચડ મારવાની ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જ્યારે આજે નાગિયારીની વાડીમાં મૂળ છોટાઉદયપુરનો 19 વર્ષીય નવયુવાન સિદ્ધાર્થ ઉર્ફે અજય જલુભાઇ બારિયાએ ગળેફાંસો ખાઇ મોતને વહાલું કરી લીધું હતું. માંડવી તાલુકાના ગઢશીશાની 32 વર્ષીય પરિણીતા સબીરા રજાક રાયમા માનસિક બીમારીના લીધે ગઇકાલે ચાંચડ મારવાની દવા પી ગયા હતા. આથી તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા આજે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગઢશીશા પોલીસ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મૂળ છોટાઉદેપુર હાલે નખત્રાણા તાલુકાના સાંગનારામાં લક્ષ્મી બોરવેલ ખાતે રહેતા નવયુવાન એવા 19 વર્ષીય સિદ્ધાર્થ ઉર્ફે અજય જલુભાઇ બારિયાએ આજે બપોરે કોઇ અગમ્ય કારણોસર નાગિયારીની વાડીમાં બાવળની ડાળી પર રસ્સી વડે ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com