પિતાએ કોલેજની ફીના આપેલા 71 હજારની ઓનલાઈન છેતરપિંડી

ભુજ, તા. 25 : શહેરના નવયુવાનના ખાતામાં પિતાએ કોલેજની ફી માટે નાખેલા નાણામાં રૂા. 71,500 ઓનલાઈન ઠગબાજે સેરવી લીધા બાદ મુંબઈના ખાતાધારકે એટીએમથી ઠગાઈના નાણા ઉપાડી  લીધાની   ફરિયાદ નોંધાઈ છે. ગત તા. 24/12/22ના બનેલી આ ઘટના અંગે અપાયેલી અરજી બાદ આજે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદી આદિત્ય રાજેશભાઈ માંડવિયાએ નોંધાવેલી વિગતો મુજબ તે અ'વાદની ઈન્ડર કોલેજમાં મિકેનિકલ એન્જિનીયરિંગનો અભ્યાસ કરે છે અને તેના એસબીઆઈના ખાતામાં કોલેજની ફી માટે પિતાએ રૂા. 71,500 મોકલાવ્યા હતા. ફરિયાદીએ પિતરાઈ ભાઈના મિત્ર પાસેથી ડિસાથી મહાબલી કુરિયર મારફત ભુજના સરનામે મોબાઈલ મગાવ્યો હતો. મોબાઈલનું પાર્સલ ન પહોંચતાં ફરિયાદીએ ગૂગલ પર મહાબલી કુરિયરના નંબર સર્ચ?કરતાં તે નંબર પર કુરિયર ન મળ્યા અંગે વાતચીત કરતાં તેણે લિન્ક મોકલી હતી અને લિન્ક ખોલતાં જ ફરિયાદીના ખાતામાંથી રૂા. 71,500 ઉપડી ગયા હતા. આથી ફરિયાદીએ ઓનલાઈન છેતરપિંડી થયાની આધાર-પુરાવા સાથે ફરિયાદ કરાવી હતી. ફરિયાદી સાયબર ક્રાઈમમાં જતાં તેને માલૂમ પડયું હતું કે, તેના ખાતામાંથી ઓનલાઈન ઠગાઈનાં નાણાં એચડીએફસી બેન્કના ખાતાધારક શકીલ અંસારી - અંધેરી વેસ્ટ-મુંબઈના ખાતામાં જમા થયા હતા અને તેણે એટીએમ મારફત નાણાં ઉપાડી પણ લીધાં છે. આમ ફરિયાદીએ પ્રથમ લિંક ડાઉનલોડ કરાવનાર મોબાઈલ નંબરવાળા તેમજ શકીલ અંસારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust