કચ્છમાં બરફીલા ઠારનું સામ્રાજ્ય : નલિયા પ.8 ડિગ્રી
ભુજ, તા. 25 : કચ્છમાં ઉત્તરાયણથી શરૂ થયેલો કાતિલ ઠંડીનો દોર સુસવાટા મારતા પવનની પાંખે જારી રહ્યો છે. જિલ્લામાં ઠારનું સામ્રાજ્ય સ્થાપિત થઈ ચુકયું હોય તેમ હવામાન વિભાગે વધુ એક દિવસ જિલ્લામાં શીતલહેરની ચેતવણી જારી કરી છે. કચ્છી કાશ્મીર એવા નલિયામાં અડધો ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન પ.8 ડિગ્રીએ પહોંચતાં દેખો ત્યાં ઠાર જેવી આકરી ઠંડી અનુભવાઈ હતી. ભુજમાં પણ પારો એક ડિગ્રી ગગડીને 9.7 ડિગ્રીના એકલ આંકમાં પહોંચ્યો હતો. કચ્છના બે સહિત રાજ્યના દસ શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં હીમ પડયાના અહેવાલ મળ્યા છે.વિતેલા કેટલાક વર્ષોમાં આટલા લાંબા ગાળા સુધી કડકડતી ઠંડી અનુભવાઈ હોય તેવું લાંબા ગાળા પછી જોવા મળ્યું છે. નલિયાએ રાજ્યના મોખરાના ઠંડા મથક તરીકે સ્થાન જાળવી રાખવા સાથે ન માત્ર રાત્રે બલકે વેગીલા વાયરાના કારણે દિવસે પણ તાપણું કરી ઠંડી સામે રક્ષણ મેળવવું પડે તેવી સ્થિતિનું સર્જન અબડાસા સહિત પશ્ચિમ કચ્છમાં થયું હતું. ભુજમાં પણ પારો એકલ આંકમાં પહોંચતાં શહેરીજનોને આખો દિવસ ગરમ કપડાં પહેરી રાખવાની ફરજ પડી હતી. હવામાન વિભાગે હજુ એક દિવસ શીતલહેરની ચેતવણી જારી કરતાં તંત્રે પણ જારી કરેલી માર્ગદર્શિકાના ચુસ્ત પાલનની સંબંધિતોને તાકીદ કરી છે.કંડલા(એ)માં 10.3 અને કંડલા પોર્ટમાં 11 ડિગ્રી લઘુતમ સામે ચારેય મથકોમાં મહત્તમ પારો 23થી 24 ડિગ્રી નોંધાયો હતો. જિલ્લામાં સરેરાશ 10થી 1પ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાનું જારી રહ્યું હતું. હજુ એક દિવસ આકરી શીતલહેરનો દોર જારી રહ્યા બાદ લઘુતમ પારો બેથી ચાર ડિગ્રી ઊંચકાતા ઠંડીમાં થોડીક રાહત મળશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com