22 વર્ષ બાદ પણ ભચાઉ આસપાસના ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી નહીં
ભચાઉ, તા. 25 : વિનાશક ભૂકંપ બાદ ટેકસ હોલીડેની જાહેરાત થકી કચ્છમાં સર્જાયેલા ઔદ્યોગિકીકરણ થકી કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી અને ભચાઉની આસપાસ અનેક મહાકાય ઉદ્યોગો સ્થપાયા છે, પરંતુ આજે પણ 22 વર્ષ બાદ આ મહાકાય એકમોમાં સ્થાનિક કામદારોને રોજગારી મળી ન હોવાની સમસ્યા જૈસે થે છે. કંપનીઓ દ્વારા દેશભરમાંથી શ્રમિકો, ટેકનીશીયનો, અધિકારીઓને લઈ આવ્યા છે. ભચાઉ આસપાસ જ પરપ્રાંતીય શ્રમિકો, અધિકારીઓની સંખ્યા બહુ મોટી છે. એકમોમાં સ્થાનિકોને રોજગારી આપવી તે નિયમ હોવા છતાંય નજીવા પ્રમાણમાં રોજગારી આપવામાં આવતી હોવાની રાવ જાણકારો વ્યકત કરી રહ્યા છે. શિક્ષણની કમી, આવડત, ઓછા શિક્ષણના બહાના તળે સ્થાનિકોને રોજગારી અપાતી ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ભચાઉમાં મોડેલ સ્કુલ છે અને સામખિયાળીમાં પણ મોડેલ સ્કુલ બની રહી છે, પરંતુ સ્થાનિકોમાં જે શિક્ષણ છે તેના આધારે એકમોમાં રોજગારીની તક આપવાનો અવાજ બુલંદ બની રહ્યો છે. અહીં રોજગારી ન હોવાથી કંડલા કે અન્ય શહેરોમાં જવું પડે છે. જેના કારણે સમય અને શક્તિનો વ્યય થાય છે. સામખિયાળીમાં અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ આવેલી છે. આ કંપનીઓ સામાજિક જવાબદારીની કેટલી કામગીરી કરે છે તે તપાસનો વિષય હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. કંપનીઓ દ્વારા બગીચા, આરોગ્ય સહિતની સુવિધા વધારવા માટે કામગીરી કરાય તેવી માંગ લોકોમાં પ્રબળ બની છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com