ભુજમાં સહારા પેલેસવાળી ગલીમાં શાકભાજી-કપડાં બજારથી મુશ્કેલી થશે
ભુજ, તા. 25 : હોટેલ સહારા પેલેસવાળી ગલીનો ઉપયોગ શાકમાર્કેટ અને કપડાં બજાર માટે ન કરવા સંતોષ સહકારી નિવાસ મંડળી દ્વારા ભુજ સુધરાઇના મુખ્ય અધિકારીને રજૂઆત કરી ઉપરોકત નિર્ણયથી સર્જાનારી મુશ્કેલીઓથી વાકેફ કરાયા હતા. 22થી 25 પરિવારોની વસાહત એવી ઉપરોકત સોસાયટીના અવરજવરના રસ્તાઓ પૈકી એસ.ટી. બસ સ્ટેશનની સામેથી હોટેલ સહારા પેલેસવાળી શેરી, જે રસ્તામાં સરકારી પુસ્તકાલય તેમજ શૈક્ષણિક સંસ્થાઓનો આવવાનો રસ્તો છે. આ ઉપરાંત બિલેશ્વર મહાદેવનું મંદિર છે અને તેથી તે રસ્તા પર સતત અવરજવર રહે છે. આ રસ્તા પર લારી-ગલ્લાઓ શાક અને કપડાં વિ. વેચવા માટે ઊભા રખાશે તો રાહદારીઓ તેમજ વાહનોને પસાર થવામાં સ્પષ્ટ રીતે તકલીફ?ઉત્પન્ન થશે.આ ઉપરાંત બિલેશ્વર મહાદેવ મંદિરે સેંકડો લોકો દર્શનાર્થે આવે છે. ઉપરાંત સામાજિક કાર્યો, હોમ-હવન, કથા તેમજ ઉઠમણા-પ્રાર્થનાસભા પણ થાય છે, જેથી લારી-ગલ્લાને સ્થાન અપાશે તો તે વધુ સાંકડી થઇ જશે. અહીં સરકારી પુસ્તકાલય, ઇન્દિરાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ પણ આવેલા છે, જેમને મુશ્કેલી સર્જાશે. ઉપરાંત વરસાદી પાણીનું વહેણ પણ અવરોધાય તેવા સંજોગ છે. તેમજ સોસાયટી અને રહેવાસીઓની પ્રાઇવસી અને સુરક્ષાના પ્રશ્ન ઉપસ્થિત થાય તેવી શક્યતા છે. જેથી ઉપરોકત રજૂઆત ધ્યાને લઇ ઉપરોકત શેરીનો ઉપયોગ શાકભાજી તેમજ કપડાંના વેપાર-લારી-ગલ્લાં માટે ન કરવા નિર્ણય કરવા માંગ કરાઇ હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com