કચ્છના આર્થિક વિકાસ માટે કોન્કલેવ મહત્ત્વનું પગલું

કચ્છના આર્થિક વિકાસ માટે કોન્કલેવ મહત્ત્વનું પગલું
ભુજ, તા. 24 : ભૂકંપ બાદ કચ્છના ઔદ્યોગિકીકરણ અર્થે રાજ્ય તથા કેન્દ્ર સરકારોએ જે કેડી કંડારી તે કેડી ઉપર આગળ વધતાં આ સીમાવર્તી જિલ્લામાં વિકાસની આ રફતાર અટકે નહીં અને વધુ ગતિ પકડે તેવા આશયથી `કચ્છમિત્ર' દ્વારા શનિવારે ગાંધીધામ ખાતે યોજાયેલા 3600 કચ્છ લાઇવ કોન્કલેવને કચ્છના જનપ્રતિનિધિઓએ પણ જિલ્લાના આર્થિક વિકાસ માટે મહત્ત્વનું પગલું ગણાવ્યો હતો.તમામ છ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખે આ અંગે આપેલા પ્રતિભાવ અહીં પ્રસ્તુત છે. - કચ્છના પ્રશ્નોની ચિંતા `કચ્છમિત્ર'એ કરી : કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાએ ગાંધીધામમાં યોજાયેલા 3600 કચ્છ લાઇવ કોન્કલેવ અંગે કહ્યું હતું કે, `કચ્છમિત્ર'એ કચ્છની જે ચિંતા કરી છે તે પ્રશંસનીય છે. આ જિલ્લાની જે કોઇ સમસ્યાઓ છે તેને વાચા આપવાનો આ નોંધપાત્ર પ્રયાસ છે. સરહદી અને છેવાડાના વિસ્તારોમાં રેલવે, એનર્જી પાર્ક વગેરેના સ્વરૂપે વિકાસ પહોંચશે તો આ વિસ્તારો ધબકતા થશે. કચ્છના શિરમોર અખબારે કોન્કલેવ મારફતે સામાજિક દાયિત્વ નિભાવ્યું છે તેવું તેમણે ઉમેર્યું હતું.- અમૃતકાળમાં કચ્છના વિકાસને દિશા : માંડવી વિભાગના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ 360 ડિગ્રી કચ્છ કોન્કલેવને  આવકારતાં કહ્યું હતું કે, `કચ્છમિત્ર'એ જે આયોજન કર્યું તેમાં જિલ્લાના ભિન્ન-ભિન્ન ક્ષેત્રના લોકોને જોડીને આગામી 25 વર્ષ-આઝાદીના અમૃતકાળમાં કચ્છ કઇ રીતે વિકાસનાં સોપાન સર કરશે તેની દિશા નક્કી થઇ શકશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કચ્છે જે કરવટ બદલી છે તેને આગળ વધારવા કચ્છમિત્રએ નિભાવેલી જવાબદારી પ્રશંસનીય છે.- કોન્કલેવના સારા પરિણામ આવશે : અંજાર વિભાગના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ પોતાના પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છના સામાજિક જ નહીં બલ્કે ઔદ્યોગિક અને આર્થિક વિકાસની દિશામાં આ કોન્કલેવ એક મહત્ત્વનું પગલું છે, તેનાં આવતા સમયમાં સારાં પરિણામ મળશે. સામાજિક અને રાજકીય હિતની દિશામાં વધુ સારા વિકલ્પ વિચારવાનું આ એક માધ્યમ બની જશે.- હજુ વધારે પ્રશ્નો ચર્ચી શકાત :  `કચ્છમિત્ર' યોજીત જીવંત કોન્કલેવમાં કચ્છના હિત અને વિકાસને લગતા પ્રશ્નો ચર્ચાયા. ચર્ચા ખૂબ સરસ હતી. આયોજન પણ સુંદર હતું. કચ્છમાં લોકપ્રતિનિધિઓ રજૂઆતો કરીને કામ કરાવે છે. તૂટેલા માર્ગો નવા બનાવે છે તે ફરીથી તૂટે નહીં તે માટે ઉદ્યોગગૃહોએ સહકાર આપવો જોઇએ. ઓવરલોડ વાહનો ન દોડે, પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવા પ્રશ્નો પણ ચર્ચી શકાયા હોત તેવું અબડાસા વિભાગના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું. -  કોન્કલેવનું આયોજન જરૂરી હતું : દરવર્ષે કરવું જોઇએ : સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને કચ્છમિત્ર દ્વારા ગાંધીધામ ખાતે આયોજિત કોન્કલેવનું આયોજન ખૂબ સુંદર અને કચ્છ  માટે તે જરૂરી હોવાનું રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે કચ્છમિત્રને આ આયોજન બદલ બિરદાવતાં કહ્યું હતું કે, કોન્કલેવના આયોજનથી કચ્છને બહુ મોટો ફાયદો થશે. આ પ્રકારના કાર્યક્રમ દર વર્ષે થવા જોઈએ જેથી લોકોને કઈ સમસ્યાઓ છે, વેપારીઓને શું જરૂરિયાત છે, ઉદ્યોગોને શું સમસ્યા છે તેનો સરકાર સુધી સીધો સંદેશ જાય તેવું તેમણે ઉમેર્યું હતું.- કચ્છના વિકાસને નિખારવાની પહેલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપ બાદ કચ્છને નવી દિશામાં લઇ જવા જે કાર્ય કર્યું છે તેને વધુ ને વધુ નિખારવા `કચ્છમિત્ર'એ 360 ડિગ્રી કચ્છ કોન્કલેવના માધ્યમથી પહેલ કરી છે તે પ્રશંસનીય છે. કચ્છને આપણે સૌ સાથે મળીને વિશ્વસ્તરે વધુ ઊંચે લઇ જવાના પ્રયાસ કરશું તો ચોક્કસ સારું પરિણામ મળશે, એવો ભાવ ગાંધીધામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ વ્યકત કર્યો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust