કચ્છમાં નવા ઉદ્યોગો માટે અપાર સંભાવનાઓ

કચ્છમાં નવા ઉદ્યોગો માટે અપાર સંભાવનાઓ
ગાંધીધામ, તા. 24 : કચ્છમાં નવા ઉદ્યોગો માટે અપાર સંભાવનાઓ રહેલી છે. મીઠું, ટિમ્બર, ખનિજ, પ્રવાસન વગેરે ક્ષેત્રમાં નવા સંસાધનોથી નવી પ્રોડક્ટો લોંચ કરવાનો વિશાળ અવકાશ ઉપલબ્ધ છે તેવો સૂર ગાંધીધામ ચેમ્બર ભવનમાં નવા ઉદ્યોગો સ્થાપવા મુદ્દે યોજાયેલા સ્ટાર્ટ-અપ સંવાદમાં પંકજ દારા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.વાણિજ્ય મંત્રાલય હસ્તકના ડીપીઆઈઆઈટી વિભાગ અંતર્ગત સ્ટાર્ટ-અપ ઈન્ડિયા નામની ફલેગશિપ યોજના શરૂ કરવામાં આવી હતી, જેના અનુસંધાને ગાંધીધામ ચેમ્બર અને આઈસીએઆઈ ગાંધીધામ બ્રાંચના સંયુક્ત ઉપક્રમે સંકુલના ઉદ્યોગ સાહસિકો, સીએ તથા વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે યોજાયેલા સ્ટાર્ટ-અપ સંવાદ કાર્યક્રમમાં જલગાંવ સ્થિત સ્ટાર્ટ-અપ યોજનાના તજજ્ઞ સી.એ. પંકજ દારાએ વધુમાં જણાવ્યું હતુ કે, કૃષિ, ખનિજ, ફાર્મા, ઊર્જા અને વોટર મેનેજમેન્ટમાં નવા ઉત્પાદનો સાથે કચ્છ સરકારની પ્રોત્સાહક નીતિથી ઘણા લાભો મેળવી શકે તેમ છે તથા આવનારા ત્રણ વર્ષમાં ઈલેક્ટ્રીક વાહનનું ચલણ વધવાથી આ ક્ષેત્રના ધંધાર્થીઓને બદલાવ માટે સજ્જ રહેવું પડશે તેમ જણાવી એમએસએમઈ અને સ્ટાર્ટ-અપ ઉદ્યોગકારોને ડીપીઆઈઆઈટીમાં રજિસ્ટ્રેશન કરવા પર ભાર મુક્યો હતો. આઈ-હબના સિદ્ધાર્થ ઐયરે  ગુજરાત સરકારની સ્ટાર્ટ-અપમાં પ્રમોશનલ સ્કીમોની વિગતવાર માહિતી આપતાં નવા ઉદ્યમીઓને ફંન્ડિગ, ટેકનોલોજી, માર્કેટિંગ અને અન્ય પ્રોત્સાહક નીતિઓ વિશે વિગતવાર જણાવી ઉદ્યોગોની સફળતાના ઉદાહરણો રજૂ કર્યા હતા. ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડે ઉપસ્થિતોને આવકારી દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરને પાર કરવાના ઉચ્ચ લક્ષ્યાંક સાથે શરૂ કરવામાં આવેલી સ્ટાર્ટ-અપ યોજનામાં નવા ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરવા અને ઉદ્યોગ સ્થાપવા માટે દરેક સુવિધાઓ સરળતાથી મળી શકે તે પ્રકારની મજબૂત સ્ટાર્ટ-અપ ઈકો સિસ્ટમ સ્થાપવાના મુખ્ય ઉદેશ્ય અને વિવિધ પ્રોત્સાહનો સાથેની આ યોજનાથી દેશનું અર્થતંત્ર મજબૂત કરવાની પહેલને અભૂતપૂર્વ ગણાવી હતી. કારોબારી સમિતિના સભ્ય કૈલેશ ગોરે સ્ટાર્ટ-અપ યોજના હેઠળ 88 હજાર યુનિટ રજિસ્ટર્ડ થયા છે તથા આઈ-હબ જેવા 300 ઈન્ક્યુબેશન કેન્દ્ર કાર્યરત હોવાનું જણાવી કચ્છના હેન્ડીક્રાફ્ટ, હાથસાળ ઉદ્યોગને સ્ટાર્ટ-અપમાં સમાવવા માંગ કરી સંકુલના યુવા ઉદ્યમીઓને સ્ટાર્ટ-અપની પ્રમોશનલ સ્કીમો દ્વારા જોડાવા જણાવ્યું હતુ. કાર્યક્રમમાં ચેમ્બરના યુવા પાંખના સભ્યો, ગાંધીધામ, ભુજના સી.એ. તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનોએ ભાગ લીધો હતો. આભારવિધિ આઈસીએઆઈના ચેરમેન સંજય ચોટારાએ કરી હતી તેવું ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણીએ ઉમેર્યું હતું.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust