અમૂલમાં વલમજી હુંબલ ફરી વાઇસ ચેરમેન વરાયા

અમૂલમાં વલમજી હુંબલ ફરી વાઇસ ચેરમેન વરાયા
અંજાર, તા. 24 : ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેનપદે સાબરકાંઠા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન સામળાભાઇ?પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, તો વાઇસ ચેરમેનપદે કચ્છના અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ હુંબલની ફરી નિયુક્તિ કરવામાં આવી હતી. અમૂલ ફેડરેશનના ચેરમેનની ચૂંટણી નાયબ કલેક્ટર આણંદની હાજરીમાં થઇ હતી અને તેમાં અમૂલ ફેડરેશનના 18માંથી 17 સભ્ય, દૂધ સંઘોના ચેરમેન હાજર રહ્યા હતા. અમૂલ ફેડરેશનમાં વર્ષ 1973થી ચેરમેનપદની વરણી બિનહરીફ રીતે થતી આવી છે, તે પ્રણાલિકાને પુન: જાળવી રાખી હતી. અમૂલ ફેડરેશન ભારતની રૂા. 46,481 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ખાદ્ય ઉત્પાદનોની માર્કેટિંગ વ્યવસ્થા સંભાળતી ટોચની સંસ્થા છે, જેના દ્વારા `અમૂલ' બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની વિવિધ બનાવટોની વિશાળ શ્રેણીનું માર્કેટિંગ તેમજ વિતરણ કરવામાં આવે છે. અમૂલ ફેડરેશન તેના સભ્ય સંઘો દ્વારા રાજ્યના 18,154થી વધુ ગામડામાંથી 36 લાખ દૂધ?ઉત્પાદકો પાસેથી સરેરાશ 264 લાખ લિટર દૂધ પ્રતિદિન એકત્રિત કરે છે. જ્યારે વલમજીભાઇ હુંબલ કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ?લિ., સરહદ ડેરીના ચેરમેન તરીકે 14 વર્ષથી કાર્યરત છે. કચ્છ જિલ્લા દૂધ સહકારી સંઘ ગત વરસે રૂા. 870 કરોડથી વધુ ટર્નઓવર કરેલ તથા લગભગ એક લાખ દૂધ ઉત્પાદક સભ્યો સંઘ સાથે જોડાયેલા છે. કચ્છમાં જેને કચ્છના લોકો કુરિયન તરીકે ઓળખે છે એવા વલમજીભાઇ હુંબલ વરસોથી સહકારી ક્ષેત્રમાં જોડાયેલા છે. અંજારમાં એ.પી.એમ.સી.ના નાનકડા છોડમાંથી વટવૃક્ષ બનાવી ચૂક્યા છે. કચ્છના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દૂધ ઉત્પાદકો માટે પહેલ કરવાની તેમને કરેલી વાતથી સરહદ ડેરીની સ્થાપના થઇ હતી. સરહદ ડેરીની નાનાપાયે શરૂઆત કરીને 2400 લિટર દૂધ એકત્ર કર્યું હતું, આજે પાંચ લાખ લિટર દૂધ એકત્ર કરતી સરહદ ડેરીના વિકાસને પગલે શ્રી હુંબલને ફરી અમૂલમાં સ્થાન મળ્યું છે. તેમણે કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં રાજકોટ ખાતે 500 કરોડના ખર્ચે ઝોનલ બેનો મોટો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થપાઇ રહ્યો છે.જેના માટે 119 એકર જમીન પણ લેવાઇ ચૂકી છે. આ વ્યવસ્થાનો સીધો ફાયદો કચ્છ-સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદકોને થવાનો છે. દરરોજ રૂપિયા 25 લાખની બચત થશે. વિશેષમા કચ્છની ઊંટડીના દૂધની આગવી ઓળખ બની છે, ત્યારે હવે સમગ્ર દેશમાં કેમલ મિલ્કનું માર્કેટિંગ કરવામાં આવશે. અમૂલ દ્વારા રાજસ્થાન, બનાસકાંઠામાંથી પણ ઊંટડીનું દૂધ એકત્ર કરવામાં આવશે, જ્યારે કચ્છમાંથી ચાર હજાર લિટર મળે છે, હવે દરરોજ ડબલ એટલે કે આઠ હજાર લિટર દૂધ?એકત્ર કરી દેશભરમાં વેચાણ વ્યવસ્થા વધારવાની ખાતરી આપી હતી.અમૂલે ફરી તમારી પસંદગી કરી છે, તો કચ્છને શું ફાયદો થશે એ વાત અંગે તેમણે જણાવ્યું કે, અત્યારે પાંચ લાખ લિટર દૈનિક દૂધની ક્ષમતા છે. આવનારા દિવસોમાં 10 લાખ લિટર એટલે કે ડબલ કરવાના પ્રયાસો કરવામાં આવશે કેમ કે, કચ્છમાં ક્ષમતા છે એટલે કૃત્રિમ બીજદાર દ્વારા ગાયના વંશ વધારવાના પ્રયાસો કરી દૂધ ઉત્પાદન ક્ષમતા વધશે તેવું તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને પશ્ચિમ કચ્છના દૂધ ઉત્પાદકોને ફાયદો થાય, અંતર ઘટે તે માટે નખત્રાણા પાસે રૂા. ત્રણ કરોડના ખર્ચે શીત કેન્દ્ર બનાવવા જઇ રહ્યા છીએ. ખરેખર બીજી વખત મારી પસંદગી થઇ છે એ કચ્છને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલની પસંદગી છે એટલે તેમણે ત્રણેયનો આભાર માન્યો હતો. જિલ્લા સહકારી સંઘના ચેરમેન શિવજીભાઇ આહીર, માનદમંત્રી ભરતભાઇ ઠક્કર અને એક્ઝિક્યુટિવ રમેશભાઇ આહીરે આ વરણીને આવકારી કચ્છના સહકારી માળખાંનો અને કચ્છના પશુપાલકોના વિકાસને નવું બળ મળી રહેશે એમ જણાવ્યું હતું. સરહદ ડેરીના મહિલા ડાયરેક્ટરો શાંતાબેન રમેશભાઇ આહીર (રાયધણપર) અને ધનુબેન શામજીભાઇ મકવાણા (સંઘડ)એ પણ વરણીને આવકારી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust