રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ભાઇઓમાં વડોદરા વિજેતા

ભુજ, તા. 24 : કચ્છ ડિસ્ટ્રીક્ટ કબડ્ડી એસોસીએશન દ્વારા અને શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજના ઉપક્રમે આયોજિત 70મી રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા (ભાઇઓ, બહેનો)નો કચ્છી લેવા પટેલ સમાજ ભુજના કોમ્યુનિટી હોલ ખાતે આરંભ થયો હતો, જેમાં 34 ટીમોએ ભાગ લીધો છે, જેમાં ગુજરાત પોલીસ, ગુજરાત પોસ્ટલ અને ઇન્કમટેક્સ જેવી ટીમો પણ સામેલ છે. આજે ભાઇઓની સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાઇ હતી, જેમાં વડોદરા શહેર વિજેતા અને તાપી જિલ્લો ઉપવિજેતા થયા હતા. જ્યારે ખેડા જિલ્લો અને ગાંધીનગર શહેરની ટીમ ત્રીજા નંબર પર રહી હતી. વિજેતા ટીમને કચ્છી લેવા પટેલ સમાજના ટ્રસ્ટી અરજણ પિંડોરિયાના હસ્તે વિજેતા ટ્રોફી અપાઇ, જ્યારે ઉપવિજેતા ટીમને ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસીએશનના સેક્રેટરી તુષાર અરોઠેએ અને ત્રીજા નંબરની ટીમને કચ્છ જિલ્લા કબડ્ડી એસોસીએશનના પ્રમુખ રામજી સેંઘાણીએ ટ્રોફી આપી હતી.સિનિયર બહેનોની સ્પર્ધાનો પણ આરંભ થયો હતો, જેની સેમિફાઇનલ અને ફાઇનલ મેચ 25 જાન્યુઆરીના સવારે રમાડાશે. સ્પર્ધાનું લાઇવ પ્રસારણ માતૃછાયા કેબલ યુ-ટયુબ ચેનલ પર થઇ રહ્યું છે. આ ત્રિદિવસીય સ્પર્ધામાં કચ્છ જિલ્લા કબડ્ડી એસોસીએશનના પ્રમુખ અને મંત્રીશ્રી સાથે તેમની ટીમે જહેમત ઊઠાવી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com