મોરાય-ઉગેડી વચ્ચે અકસ્માતમાં બે યુવાનનાં મોત

ભુજ, તા. 24 : નખત્રાણાના રવાપર પાસેના મોરાય અને ઉગેડી વચ્ચે આજે સાંજે કાર અને બુલેટ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતાં બુલેટ બાઇક પર સવાર લખપત તાલુકાના નાની વિરાણીના બે યુવાન એવા સિકંદર હાજી જત (ઉ.વ. 20) તથા ઓસમાન મિસરી જત (ઉ.વ. 35)નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થતાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માત અંગે સંબંધિત સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ માતાના મઢ તરફથી મારુતિ વેન કાર નં. જી.જે. 12-પી 4489માં દંપતી આવી રહ્યું હતું. જ્યારે સામેથી ભુજ બાજુથી બુલેટ બાઇક નં. જી.જે. 12 ઇપી 8585 ઉપર સવાર થઇને વિરાણીના સિકંદર અને ઓસમાણ આવી રહ્યા હતા . સાંજે છ વાગ્યાના અરસામાં રવાપર પાસેના મોરાય અને ઉગેડી વચ્ચે આ કાર અને બુલેટ વચ્ચે જોરદાર ટક્કર થતા બુલેટ પર સવાર બન્ને યુવાનને ગંભીર પ્રકારની ઇજા પહોંચતા ઘટના સ્થળે જ બન્નેના કમકમાટી ભર્યા મોત થયા હતા. આ અકસ્માતના પગલે માર્ગ રક્તરંજિત બન્યો હતો અને રોડ પરના નાના ખાડા લોહીથી ભરાયા હતા. બીજી તરફ આ અકસ્માતમાં વેનના ચાલક અને તેના પત્ની પર ઘાયલ થયાની વિગતો મળી છે અને આ દંપતીને 108 મારફતે ભુજમાં સારવાર અર્થે ખસેડાયા છે. દરમ્યાન આ દુર્ઘટના અંગે નખત્રાણા પોલીસ મથકનો સંપર્ક સાધતા બન્ને યુવાનોના મૃત્યુ થયાની જાણકારી મળી હતી પરંતુ કારમાં સવાર દંપતીની વિગતો પ્રાપ્ત થઇ શકી નથી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com