નિરોણામાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

નિરોણા (પાવરપટ્ટી), તા. 24 : આઝાદી કા અમૃત મહોત્સવ, જી-20 સમિટ તેમજ સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતી અંતર્ગત કેન્દ્રીય સંચાર બ્યૂરો સૂચના એવમ્ પ્રસારણ મંત્રાલય ભારત સરકાર દ્વારા અહીં લોકજાગૃતિ માટે દ્વિદિવસીય કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ દિવસે ગામની વિવિધ આંગણવાડીઓમાં મહેંદી સજાવટ સ્પર્ધા, કન્યા શાળામાં ચિત્ર સ્પર્ધા અને સંગીત ખુરશી સ્પર્ધા, કુમાર શાળામાં લીંબુ-ચમચી અને કોથળાદોડ સ્પર્ધા તેમજ પી. એ. હાઇસ્કૂલમાં વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધા, તો બીજા દિવસે શૈક્ષણિક સંસ્થાઓના બાળકોને સાંકળી પ્રભાતફેરીમાં સ્વચ્છતા અભિયાન, આઝાદી અને શિક્ષણને લગતા નારાઓ લગાવ્યા હતા. કન્યા શાળાના પટ્ટાંગણમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી અંતર્ગત આઝાદીની ચળવળમાં કેટલાક અજાણ નેતાઓ ભૂલાભાઇ દેસાઇ, હંસાબેન મહેતા, મણિબેન પટેલ, પેરીન કેપ્ટન, ઇન્દુમતીબેન ચીમનલાલ, ઉષાબેન મહેતા, પૂર્ણિમાં પકવાસા, સામળદાસ ગાંધી, વિઠ્ઠલભાઇ પટેલ, વિનોદ કિનારીવાલા સહિતના જીવનચરિત્ર અને સ્વતંત્રતા મહાસંગ્રામમાં ભૂમિકાને લગતા પોસ્ટરની પ્રદર્શની ગોઠવવામાં આવી હતી. સમાપને ઇનામ વિતરણ અને અભિવાદન કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં માહિતી અને પ્રસારણ મંત્રાલય ક્ષેત્રિય કાર્યાલય-ભુજના અધિકારી કમલેશભાઇ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષની ઉજવણી રૂપે આવા કાર્યક્રમો થકી ગ્રામ્ય લોકજીવનમાં દેશદાઝની ભાવના જામે છે. સાથે સ્વચ્છતા અને સાંસ્કૃતિક કલા વારસાનું જતન પણ થઇ શકે છે. આ પ્રસંગે પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત નૃત્ય અને વક્તવ્ય દ્વારા સૌને રાષ્ટ્રભક્તિના રંગે રંગ્યા હતા. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત વિષયને અનુરૂપ ક્ષેત્રિય કાર્યાલય દ્વારા નાટક રજૂ કરાયું હતું. પ્રથમ દિવસે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કૃત કરાયા હતા. આ પ્રસંગે નિરોણાના પી.એસ.આઇ. આર. ડી. બેગડિયા, પાવરપટ્ટી વિસ્તારના કચ્છમિત્ર પત્રકાર બાબુભાઇ માતંગ, અગ્રણી કાનજીભાઇ ભાનુશાલી, હાઇસ્કૂલના આચાર્ય ડો. વી. એમ. ચૌધરી, સી.આર.સી. કિશોરભાઇ હેડાઉ, કુમાર શાળાના આચાર્ય કંચનબેન વડોર, કન્યા શાળાના શક્તિદાન ચારણ, આંગણવાડી સુપરવાઇઝર કંચનબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડીઓમાં બનતી વિવિધ વાનગીઓનું પણ નિદર્શન કરાયું હતું. સંચાલન અલ્પેશભાઇ જાનીએ અને આભારવિધિ જટુભા રાઠોડે કરી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com