પક્ષીઓ બચાવવા વગડામાં નવતર પ્રયાસ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 24: પવનચક્કીઓએ લીલા વૃક્ષ, વન સંપદાઓનો સોથ વાળ્યો, પક્ષીઓના રેનબસેરા ન રહ્યા... આવા સમયે નખત્રાણા તાલુકાના નાના અંગિયા, જિંદાયના જીવદયાપ્રેમીઓઁએ વન-વગડામાં પક્ષીઓ બચાવવા એક નવતર પ્રયાસ આરંભ્યો છે. જિંદાય ગામના દાનાભાઇ આહીર અને અંગિયા નાનાના રવજી મારાજ જીવદયાપ્રેમી ત્રિભેટે (જીંદાય, અંગિયા મોટા, નાગલપુર) થોડા સમયથી પક્ષીઓને ચણ નાખી જીવદયા પ્રવૃત્તિ શરૂ કરી, પણ પ્રેમથી ચણતા પક્ષીઓના શિકાર જંગલી બિલાડી કે અન્ય જીવો કરતાં, ભૂંડ આવી પક્ષીઓને ખલેલ પહોંચાડતાં દાણા પણ આરોગી જતા. જીવદયા કરતા જિંદાયના દાનાભાઇ, અંગિયાના રવજીભાઇ મારાજે મનોજભાઇ વાઘાણીને જણાવતાં વાત પહોંચી બાબુભાઇ કેશરાણી પાસે. તેમણે પોતાના પરિવારના સ્વ. પ્રેમજીભાઇના સ્મરણાર્થે જીવદયાની વાત સ્વીકારી. ખીમજીભાઇ પારસિયા, મણિલાલ મુખી, અબજી પટેલ, વિજયભાઇ (પેઈન્ટર), અમૃતભાઇ ધોળુ, સંજય રૂડાણી, તુલસી ગરવા, રણજિત લોંચા, ગરવા ગોપાલે નિ:સ્વાર્થ સેવા તનથી કામગીરી આદરી. સફાઇ કરી, ખરાબ જગ્યાને જેસીબીથી મીત રૂડાણીએ તો લોડર મશીનની સેવા વિનોદભાઇ કેશરાણીએ, બાઉન્ડ્રીની જાળી અને એલ્યુમિનિયમ સામગ્રી ઈશ્વર સ્ટીલે કિફાયતી ભાવે આપી. નખત્રાણાના કલ્પેશભાઇ, સતીશભાઇ, પૂજનભાઇ અન્ય રીતે સહયોગી બન્યા, તો કાંતિભાઇ પગી, સુલતાન લોહારે પક્ષી પોઇન્ટ બનાવવા ખૂબ મહેનત કરી એવું મનોજભાઇ (નાના અંગિયા)એ કહ્યું હતું. અને બની ગયો સાત ફૂટ ઊંચાઇ લોખંડની જાળીનો ત્રિકોણ પોઇન્ટ પક્ષીઓ માટે. પાણી પી શકે એવો કુંડ અને દરરોજ ચણ નખાય છે. દાતાઓનો હજી સહયોગ મળશે તો હજી આવા 15થી 20 પોઇન્ટ બનાવવાની નેમ છે એવું કહેતાં મનોજ વાઘાણીએ જણાવ્યું કે મોર, ઢેલ, હોલા, કબૂતર, ચકલી, સુગરી જેવા પક્ષીઓ વિચરે છે ત્યાં આવા `પક્ષી પોઇન્ટ' બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com