પ્રજ્ઞાચક્ષુઓની ક્રિકેટથી માંડવી-મસ્કાનાં મેદાન ગાજ્યાં

પ્રજ્ઞાચક્ષુઓની ક્રિકેટથી માંડવી-મસ્કાનાં મેદાન ગાજ્યાં
દેવેન્દ્ર વ્યાસ દ્વારા - માંડવી, તા. 24 : અહીંની અંધ-અપંગ માનવ કલ્યાણ સોસાયટી આયોજિત અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પાલનપુર ટીમે વિજેતા ટ્રોફી જીતી લીધી તો સુરતની ટીમ ઉપવિજેતા થઇ હતી. આ વિભાગના રાજ્યભરના 10 જિલ્લામાંથી 12 ટીમે દિવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્રણ દાયકાથી કાર્યરત સંસ્થાને રૂા. 20 લાખનું દાન મળ્યું હતું. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું વિજય બદલ બહુમાન કરાયું હતું. સ્પર્ધા દરમ્યાન પ્રજ્ઞાચક્ષુઓના જુસ્સાને સૌએ સલામ કરી હતી. વિજેતા ટીમને રૂા. 21,000 તો ઉપવિજેતા ટીમને?રૂા. 8000નું ઇનામ અપાયું હતું. શહેરમાં લોહાણા બાળાશ્રમ પરિસરમાં યોજાયેલા સમારોહમાં પ્રમુખપદેથી બોલતાં સંસ્થાના અધ્યક્ષ શાંતિલાલ ગણાત્રાએ વિકાસયાત્રાની પૃષ્ઠ ભૂમિકા, વિગતો વર્ણવી હતી. નેત્રદીપક સહયોગ બદલ લોહાણા મહાજનના મોભી હરેશ ગણાત્રા, પૂર્વ પ્રમુખ - કાયમી દાતા ડો. કૌશિક?શાહ, મસ્કા ગુજરાતી સમાજના મહામંત્રી અને સંસ્થાના ચાલકબળ ડો. ચંદ્રકાંત ચોથાણીનો ઋણ સ્વીકાર કર્યો હતો. મુખ્યમહેમાન ધારાસભ્ય શ્રી દવેએ `જહાં કમ વહાં હમ'ના સેવા મંત્રની સાર્થક અનુભૂતિને બિરદાવતાં ખૂટતી સુવિધા સાકાર કરવામાં હૈયાધારણ આપી હતી.પૂર્વ પ્રમુખ ડો. શાહે સંસ્થાના વિનામૂલ્યે છાત્રાલયના લાભાર્થીઓને સ્વનિર્ભર કરવા સહિતના પ્રકલ્પો હેઠળ રૂા. અઢી કરોડ દાન પ્રાપ્તિ, ત્રણ હજાર શત્રક્રિયા વગેરે માટે શ્રેષ્ઠીઓની સખાવત પ્રેરક લેખાવી હતી. પ્રકલ્પ ચેરમેન કમલેશ પાઠકે દિવ્યાંગ ખેલાડી દ્વારા બાઉન્ડ્રી કુદાવાતાં એક-એક હજાર વિશેષ પુરસ્કાર, બેસ્ટ બોલર, બેસ્ટ બેટસમેન સહિતના ઇનામોની જાણકારી આપી હતી. મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડો. ચંદ્રકાંત ચોથાણીએ બૃહદ કચ્છીઓની વતન પરસ્તી થકી સુમાર્ગે, સુપાત્રે ઓટ કે ખોટ નથી રહેતી એવી લાગણી વ્યક્ત કરી હતી. હરેશ ગણાત્રાએ ત્રણ દિવસ લગી સંસ્થા પરિસર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવ્યા બદલ અહોભાવ પ્રદર્શિત કર્યો હતો. પ્રતાપ ચોથાણીએ લાગણીઓ વ્યક્ત કરી હતી. સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. મધુભાઇ રાણાએ ઓડિયો સંદેશમાં નિષ્ઠા અને પ્રમાણિકતાના પાયા વડે કોઇ પ્રકલ્પ-પુરુષાર્થ અધૂરપ નથી અનુભવતો એવો સાક્ષીભાવ વ્યક્ત કર્યો હતો. મંચસ્થ મામલતદાર માધુભાઇ પ્રજાપતિએ રૂા. છ હજારનું પ્રોત્સાહક દાન આપ્યું હતું. શ્રેષ્ઠ દિવ્યાંગજન રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા હેમાંશુ સોમપુરા (નવચેતન અંધજન મંડળ-માધાપર), સરકારી અંધશાળા-ભુજના બાબુભાઇ રંગપરાનું યોગદાન બદલ બહુમાન કરાયું હતું. વક્તાઓ ઉપરાંત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નરેશ એચ. ચૌહાણ, બાલ સુરક્ષા અધિકારી વિપુલ દોરિયા, પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ શાહ, મહંત શ્યામભારતી, ડો. આદિત્ય ચંદારાણા વગેરે મંચસ્થ હતા. મંત્રી દિનેશ શાહ, સહમંત્રી સુલતાન મીર, અશ્વિન ગજરા વગેરેએ મહેમાનોનો સત્કાર કર્યો હતો. નિવૃત્ત મામલતદાર વસંતલાલ સોલંકી, કિરણકુમાર શાહ, વાડીલાલ દોશી, લક્ષ્મીચંદ ફુફલ, ડી. પી. પંચાલ, જયાબેન ગણાત્રા, સુજાતાબેન ભાયાણી, હરસુખભાઇ શાહ, પ્રફુલભાઇ શાહ, પારસભાઇ શાહ, પારસ સંઘવી વગેરે સહયોગી થયા હતા. જી.ટી. ગ્રાઉન્ડ, કોલેજ ગ્રાઉન્ડ અને મસ્કા ગ્રાઉન્ડ ઉપર હરીફાઇ યોજાઇ હતી. સંચાલન મહામંત્રી દિનેશભાઇ શાહે કર્યું હતું. વિજેતાઓને રૂા. 25 હજારનો પુરસ્કાર મુંબઇ સ્થિત નટવરલાલ કેશવલાલ સંઘવી પરિવાર તરફથી અપાયો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust