ભુજના સ્મૃતિવનની 2.80 લાખ જણે લીધી મુલાકાત

ભુજના સ્મૃતિવનની 2.80 લાખ જણે લીધી મુલાકાત
ભુજ, તા. 24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા ઓગસ્ટ મહિનામાં જેનું લોકાર્પણ કર્યું હતું એ અહીંના સ્મૃતિવનની માત્ર ચાર જ મહિનાના ગાળામાં બે લાખ 80 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. 2001માં 26મી જાન્યુઆરીએ કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોના સન્માનમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરાયું છે. સ્મૃતિવનમાં ખડાં કરાયેલા રિયલ ટાઇમ ભૂકંપનો અનુભવ કરાવતા મ્યુઝિયમની પણ એક લાખ ઉપરાંત લોકોએ મુલાકાત લીધી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિવિધલક્ષી પ્રોજેક્ટ ઉપર કામગીરી થઇ?રહી છે જેના લીધે છેવાડાના માનવી સુધી ખુશહાલી પહોંચી છે. સ્મૃતિવનમાં કચ્છ તેમજ રાજ્યના નાગરિકો એકસાથે આવી શકે તે હેતુથી ત્યાં યોગ વર્ગ, વર્કશોપ, ઓપન માઇક, સ્કેટિંગ કાર્યક્રમો, ઝુમ્બા ગેટ ટુ ગેધર, મતદાન જાગૃતિ કાર્યક્રમો, સંગીતના કાર્યક્રમો અને 21 હજારથી વધુ દીવાઓથી દિવંગતોની શાંતિ માટે કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, જેના લીધે સ્મૃતિવન એક સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે. ભુજિયા ડુંગર ઉપર નિર્માણ થયેલા મ્યુઝિયમની દેશના અનેક દિગ્ગજો પ્રશંસા કરી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મૃતિવન વિશ્વના શ્રેષ્ઠ સ્મારકોથી એક ડગલું પણ પાછળ નથી તેમ જણાવીને શાળાનાં બાળકોને અહીં લાવવા અપીલ કરી હતી. ભુજિયા ડુંગર ઉપર 470 એકર વિસ્તારમાં આ સંકુલ નિર્માણ પામ્યું છે. અહીં વિશ્વનું સૌથી મોટું મિયાંવાંકી જંગલ છે જેમાં ત્રણ?લાખ વૃક્ષ છે. તે સિવાય 50 ચેકડેમ છે જ્યાં ભૂકંપપીડિત 12,932 નાગરિકનાં નામની તકતી ચેકડેમની દીવાલો ઉપર મૂકવામાં આવી છે. સન પોઇન્ટ, આઠ કિ.મી.ની લંબાઇના ઓવરઓલ પાથ-વે, 1.2 કિ.મી. આંતરિક રોડ, એક મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, ત્રણ હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300 વર્ષ જૂના ભુજિયા કિલ્લાનું નવીનીકરણ વગેરે સુવિધા ઊભી કરાઇ છે. 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરાવવા એક વિશેષ થિયેટરનું નિર્માણ કરાયું છે જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવાય છે. 11,500 ચોરસ મીટરમાં ફેલાયેલા ભૂકંપને સમર્પિત મ્યુઝિયમમાં આઠ બ્લોક છે જ્યાં હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતી કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાંનું વિજ્ઞાન, રિયલ ટાઇમ આપાતકાલીન સ્થિતિ અંગે કંટ્રોલરૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ, રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશન દ્વારા દર્શાવાઇ છે જેનો મુલાકાતીઓ રસપૂર્વક લાભ લઇ રહ્યા છે.- સ્મૃતિવન મેમોરિયલ ખાતે ભૂકંપના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે : ભુજ, તા. 24 : શહેરના ભુજિયા ડુંગર ખાતે આવેલું સ્મૃતિવન મેમોરિયલ અને સંગ્રહાલય દ્વારા ઇ.સ. 2001ના ધરતીકંપમાં પોતાના જાન ગુમાવનારા મૃતકોને ગૌરવપૂર્ણ રીતે સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. 26મી જાન્યુઆરીએ સ્મૃતિવન ખાતે સવારે જિલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ બાદ મૃતકોને વિશેષ અંજલિ અપાશે અને મૃતકના પરિવારજનો પણ પોતાના સ્વજનોને શ્રદ્ધાસુમન અર્પણ કરી શકે તેવું પણ ખાસ આયોજન કરાયું છે. આરંભમાં શ્રદ્ધાંજલિ પદયાત્રા યોજાશે. એ પછી એન.ડી.આર.એફ.ના જવાનો ભૂકંપનું જોખમ ઘટાડવા કેવાં પગલાં ભરવા તેનું નિદર્શન કરશે. આ પ્રસંગે ભૂકંપમાં જાન ગુમાવનારા 12,932 વ્યક્તિની સ્મૃતિમાં એટલા જ વૃક્ષ વાવવામાં આવશે. સાંજના સૂર્યાસ્ત પછી મીણબત્તીઓ પ્રગટાવી મૃતકોને વિશેષ અંજલિ અર્પણ કરાશે.  આ તમામ કાર્યક્રમોમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા સ્મૃતિવન મેમોરિયલના સંચાલકોએ ઇજન આપ્યું છે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust