ભુજ સ્મૃતિવન ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવણીનું રિહર્સલ યોજાયું

ભુજ સ્મૃતિવન ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવણીનું રિહર્સલ યોજાયું
ભુજ, તા. 24 : 74મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ભુજ સ્મૃતિવન ખાતે પ્રજાસત્તાક પર્વની તૈયારીઓની ગ્રાઉન્ડ રિહર્સલ યોજવામાં આવી હતી. કચ્છ પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે 26 જાન્યુઆરીના તિરંગો લહેરાવાશે.જિલ્લા સમાહર્તા દિલીપ રાણાએ આજે સ્મૃતિવન ગ્રાઉન્ડમાં તિરંગાને સલામી આપી પરેડ નિરીક્ષણ કરવાની સાથે માર્ચપાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજન ઉપરાંત વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારાઓનું સન્માન સહિત બાબતોની સમીક્ષા કરી હતી તથા મુખ્ય કાર્યક્રમની તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. વિવિધ શાળાનાં બાળકો દ્વારા રજૂ કરાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. દેશભક્તિ ગીત `હે જન્મભૂમિ ભારત હે', સમૂહ નૃત્ય `હર ઘર તિરંગા', અભિનય ગીત `વંદન તુજે મા ભારતી', રાસ `રાણો અચિન્ધો', દેશભક્તિ ગીત `ભારત અનોખા હમારા હે' તથા  એનડીઆરએફની ટીમ દ્વારા નિદર્શન, ઉપરાંત બેન્ડ  સુરાવલિ  સાથે `વંદે માતરમ' પ્રસ્તુત કરાયા હતા. જિલ્લા સમાહર્તાએ ગ્રાઉન્ડ રિહર્સલ નિહાળ્યા બાદ તંત્રના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમોને વધુ સારી રીતે રજૂ કરવા અને જાજરમાન બનાવવા સ્થળ પર માર્ગદર્શન આપ્યું  હતું. પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભાસિંઘ, અધિક નિવાસી કલેકટર મિતેશ પંડ્યા, પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત તથા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust