દાદુપીર રોડ પર ગટરનો ખાડો જેમનો તેમ રહેવા દેતાં જોખમ

ભુજ, તા. 24 : શહેરના દાદુપીર રોડ પર અનેક દિવસોથી ગટરલાઇનનાં કામ દરમ્યાન ખોદાયેલો મોટો ખાડો જેમનો તેમ રાખી દેવાતાં ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી ભીતિ જાગૃતોએ વ્યક્ત કરી ભુજ સુધરાઇ સત્વરે ખાડો પૂરે તેવી માંગ કરી હતી. અત્રે નોંધનીય છે કે, આ ગટરની લાઇન ત્રણથી ચારવાર બેઠી છે અને મરંમતના નામે સુધરાઇની તિજોરી સાફ થઇ રહી હોવાનો ગણગણાટ પણ ફેલાયો છે. ભુજમાં દાદુપીર રોડ, આલાવારી મસ્જિદ પાસે ગટરલાઇનનો પ્રશ્ન ઉકેલવા મોટો ખાડો ખોદાયો હતો, પણ એ ખાડો લાંબા સમયથી એમ જ રાખી દેવાતાં રાહદારીઓ-વાહનચાલકો માટે જોખમ સર્જી શકે તેમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કામ કરનાર કોન્ટ્રાક્ટરને સુધરાઇ દ્વારા ચૂકવણું ન કરાતાં ખાડો પૂર્યા વિના જ રાખી દેવાયો છે. આ લાઇન બેસે છે ત્યારે આસપાસના વિસ્તારોમાં ઘરોમાં ગટરનાં પાણી ઘૂસતાં હોવાની પણ ફરિયાદ ઊઠી હતી. જાણકારોના જણાવ્યા અનુસાર ઉપરોક્ત ગટરલાઇનનું કોન્ટ્રાક્ટર દ્વારા નબળું કામ કરાતાં ત્રણથી ચારવાર લાઇન બેઠી હતી. એક જગ્યાએ મરંમત પૂરી થાય અને તેનો મલબો આગળ વધે અને ફરી આગળની લાઇન બેસે આ થિયરીને પગલે ભુજ સુધરાઇની તિજોરીને આર્થિક મોટો ફટકો પડી રહ્યાનું જાગૃતોએ જણાવી યોગ્ય અને અનુભવી કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવાય તેવી માંગ ઊઠી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com