દસ હજાર બોર રિચાર્જ કરી મુંદરા સુધરાઇ ઇતિહાસ રચશે

દસ હજાર બોર રિચાર્જ કરી મુંદરા સુધરાઇ ઇતિહાસ રચશે
મુંદરા, તા. 24 : મુંદરા-બારોઇ નગરપાલિકાની સામાન્યસભા આજે રોટરી હોલ ખાતે પાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. સામાન્યસભામાં બારોઇ વિસ્તારની પાણી યોજના અંદાજિત 26ાા કરોડ ઉપરની મંજૂર થઇ છે. તેનું ટેન્ડર 31 દિવસમાં ખોલવામાં આવશે. આ વિસ્તારમાં આઠથી દસ હજાર પાણીના બોર છે, જેના રિચાર્જ માટે સાત કરોડનો ખર્ચ થાય છે, જે ગ્લોબલ કચ્છમિત્ર સાડા ત્રણ કરોડ એટલે 50 ટકા રકમ આપશે. બાકી લોકફાળાના સૂચનને અનુસંધાને પાણીના નવા કનેક્શન જે પણ નોંધાય તે પાણી ગ્રાહક પાસેથી 500 રૂપિયા લેવામાં આવશે, જે પાલિકા દ્વારા રસીદ પણ આપવામાં આવશે. એકસાથે દસ હજાર પાણીના બોર રિચાર્જ થાશે તે ગુજરાતમાં ઇતિહાસ રચાશે તેવું જણાવ્યું હતું, તે ઠરાવ કરાયો હતો. વિરોધ પક્ષના નેતા ઇમરાન જત, જાવેદ પઠાણ, હાજી અનવર ખત્રી તથા કાનજી સોંધરાએ વિપક્ષી નગરસેવકના વિસ્તાર સહિતના વિસ્તારમાં સફાઇ, રોડલાઇટ સહિતના કામો થતા નથી તેવા આક્ષેપ સાથે રોડ રિસર્ફેસિંગ બાબતે ભારે હંગામો થયો હતો. જાવેદ પઠાણે ગત સામાન્યસભા ગેરલાયક હોવાનો આક્ષેપ કર્યો હતો. 2018થી 2021 સુધી નગરપાલિકાના 16 કર્મચારીને રૂપિયા એક કરોડ બાવન લાખ પગાર બાબતે વધારે અપાઇ ગયા છે, તેની રિકવરી માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઇમરાન જતે ચીફ ઓફિસર દર્શન ચાવડાને પ્રશ્ન કરતાં પૂછ્યું કે, સુધરાઇની નિયમ વિરુદ્ધ કર્મચારીઓને ચૂકવણું કઇ રીતે કરી દેવાયું ? આ માટે જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરાઇ હતી. મુખ્ય અધિકારીએ કહ્યું કે, જિલ્લા વિકાસ અધિકારી તથા પ્રાદેશિક કમિશનરને જાણ કરી પગાર રિકવરી બાબતે તપાસ કરવામાં આવશે. નગરપાલિકા પ્રમુખે કહ્યું કે, પ્રિશા પાર્ક સોસાયટી, રૂષભનગર સોસાયટી ઉપરાંત વેરાઇકૃપા સોસાયટી નગરપાલિકાને સાર્વજનિક પ્લોટ આપશે, જેનો સ્વીકાર કરવા ઠરાવ પાસ કરાયો હતો. પ્રિશા પાર્કનો પ્લોટ તથા તેની બાજુમાં સરકારી જમીન લઇ 4500 મીટર જગ્યામાં સૌરાષ્ટ્ર  સીએફ દ્વારા સીએસઆરની રકમમાંથી રૂપિયા એક કરોડના ખર્ચે બગીચો નિર્માણ કરાશે. અમૃત યોજના-2 અંતર્ગત સુધરાઇને પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઇ?છે, જેમાં મોટા તળાવ, નાના તળાવ માટે રૂપિયા ચાર કરોડ ફાળવવામાં આવશે તેમજ પીપલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલા બગીચા માટે એક કરોડ ફાળવવામાં આવ્યા હતા. બસ સ્ટેશનથી ગામમાં આવતા ઓવરલોડ ટ્રક આવતાં રસ્તા ખરાબ થઇ જાય છે, અકસ્માત થાય છે, ટ્રાફિકનો પ્રશ્ન છે તથા લાઇટના થાંભલાને નુકસાન થાય છે, જેના માટે કલેક્ટરને પત્ર લખી ગામમાં ભારે વાહનોને પ્રવેશવા મનાઇની માગણી મુકાશે. આદર્શ ટાવર, તળાવ, ન્યૂ મુંદરા સહિતના વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો હશે તેને દૂર કરવામાં આવશે. રસ્તાના નબળા કામની ગુણવત્તા ચકાસણી બાદ કોન્ટ્રાક્ટરને ચૂકવણા કરાશે તેવી ખાતરી આપાઇ હતી. ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પાટીદાર, તૃપ્તિબેન ઠક્કર, મોહિની ચૂડાસમા, હરિ વિરમ ગોહિલ, જીતુભાઇ માલમ, નિમિતાબેન પાતારિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંસ્થાઓ દ્વારા દબાણ?હટાવની સુંદર કામગીરી બદલ અભિનંદન પત્ર પાઠવાયું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust