વસંત ઋતુમાં આહાર-વિહારની કાળજીથી સ્વાસ્થ્ય પ્રકૃતિ જેમ ખીલી ઊઠે

ભુજ, તા. 24 : વસંત ઋતુ દસ્તક આપી ચૂકી છે. પ્રકૃતિની સુંદરતા સાથે વાતાવરણ પણ બદલવા લાગ્યું છે. જે ખાસ કરીને ફળ અને શાકભાજી વિગેરેમાં પણ જોવા મળે છે. આ પરિવર્તનને જો આરોગ્ય સાથે વણી લેવાય તો તાજગી અનુભવી શકાય છે. જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા કાર્યરત આયુર્વેદ તથા અત્રેના પલ્મોનોજિસ્ટ વિભાગે વસંત ઋતુમાં લેવાની થતી સાવચેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આયુર્વેદ તબીબ ડો. પીયૂષ ત્રિવેદીએ જણાવ્યું કે, વર્ષની છ ઋતુમાં વસંતનું આગવું મહત્ત્વ છે. ખાસ કરીને વસંત પંચમીથી ઠંડીનો પ્રકોપ ક્રમશ: ઘટવા લાગે છે. સામાન્ય રીતે ઠંડીના દિવસોમાં લેવાયેલા ભારે ખોરાકને કારણે જમા થયેલો કફ ઓગળવા લાગે છે. આ કફ અનેક બીમારીને જન્મ આપે છે. જેમાં ખાંસી, ઉધરસ, ગળામાં ચેપ, એલર્જી, તાવ, શ્વાસ ચડવો, માથું દુ:ખવું અને શરીરમાં ભારે ભારે લાગતું હોય છે. આવી પરિસ્થિતિમાં વસંત ઋતુમાં ઉપલબ્ધ ફળો અને શાકભાજીનું વિપુલ માત્રામાં સેવન કરવાથી સ્વસ્થ રહી શકાય છે, જે વ્યક્તિને માનસિક રીતે પણ આરોગ્યપ્રદ રાખે છે. સુપાચ્ય કહી શકાય તેવા અનાજ જેમ કે, જવની રોટલી, ઘઉંની રોટલી, જવનું પાણી, પરવળનું શાક, ચણા, મમરા, પૌંવા, સામો, ગલકાનું શાક, તુરિયાનું શાક વિ. આહારમાં સામેલ કરી શકાય. લેવાની થતી કાળજી અંગે તેમણે કહ્યું કે, દૂધ ઉત્પાદિત ચીજવસ્તુઓનું સેવન ઘટાડવું, ઠંડા પદાર્થો ન લેવા. જો કે, હૂંફાળું પાણી લઈ તેમાં સૂંઠ અને મધ મિલાવી પી શકાય. શરીરમાં તલના તેલની માલિશ પણ કરી શકાય, વ્યાયામ ઉપરાંત વાતાવરણને અનુકૂળ વત્રો ધારણ કરવાથી રાહત રહે છે.દરમિયાન જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ અને સિનિ. રેસિ. ડો. તૃપ્તિ ગઢવીના જણાવ્યા મુજબ, આ ઋતુમાં એલર્જીના દર્દીઓ વધી જાય છે. અસ્થમાના દર્દીઓને પણ વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. દર્દીની સારવાર ચાલુ હોય અને વધુ અસર જણાય તો તેમણે તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો. સાવચેતી માટે ડો. ગઢવીએ વધુમાં કહ્યું કે, માસ્ક પહેરીને બહાર નીકળવું, વાતાવરણ બદલાતું હોય ત્યાં સુધી સાવચેતી રાખવી. મોક લેવાની સલાહ પણ આપી હતી. આમ વસંત ઋતુમાં આહાર અને વિહારની કાળજી લેવાય તો સ્વાસ્થ્ય પ્રકૃતિની માફક ખીલી ઊઠે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com