લખનૌમાં ઈમારત ધસી પડતાં અનેક દટાયા
લખનઉ, તા. 24 : ઉત્તરપ્રદેશમાં લખનઉમાં હઝરતગંજનાં વજીરહસન રોડ સ્થિત અલાયા એપાર્ટમેન્ટની ચાર માળની ઈમારત ધરાશાયી થતાં ત્રણ જણ માર્યા ગયા હતા. અનેક પરિવારનાં 30થી 40 લોકો તેમાં દબાઈ ગયાની આશંકા છે. આજે સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપનાં આચકા અનુભવાયા હતાં અને તેમાં જ આ ઈમારતમાં તિરાડો પડી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. જો કે ભૂકંપનાં કારણે જ ઈમારત પડી ભાંગી હોવાને કોઈ સત્તાવાર સમર્થન મળતું નથી. અત્યાર સુધીમાં આ ઈમારતમાંથી 3 લોકોને ઉગારી લેવામાં આવ્યા છે અને ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. કાટમાળમાંથી 11 જણને સુરક્ષિત કાઢી લેવાયા છે.આ ઘટનાને પગલે રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તત્કાળ બચાવ કામગીરી માટેનાં નિર્દેશો આપ્યા હતાં. ઉપમુખ્યમંત્રી બૃજેશ પાઠક પોતે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને બચાવ કામગીરીમાં લગાડી દેવામાં આવી છે. જો કે સાંકડા રસ્તાઓનાં કારણે એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડનાં વાહનોને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે તકલીફ થઈ હતી. બૃજેશ પાઠકનાં જણાવ્યા અનુસાર આ ઈમારત ચાર માળની હતી અને તેમાં કુલ સાત પરિવાર રહેતા હતાં. ત્રણ લોકોનાં શબ અત્યાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા છે. સાંજે સાતેક વાગ્યાનાં સુમારે ઓચિંતા આ ઈમારત ધસી ગઈ હતી અને એપાર્ટમેન્ટનો મોટો હિસ્સો જમીનદોસ્ત થઈ જતાં અનેક લોકો અંદર ફસાઈ ગયા હતાં. બચાવ રાહત કાર્ય માટે જેસીબી દોડાવવામાં આવી હતી પણ સાંકડા રસ્તાઓનાં હિસાબે તેને પણ દુર્ઘટનાગ્રસ્ત ઈમારત સુધી પહોંચવામાં ભારે સમસ્યા થઈ હતી.સ્થાનિકોનાં કહેવા અનુસાર આ ઈમારતનાં ગ્રાઉન્ડ લેવલ ઉપર થોડા દિવસોથી કડિયાકામ ચાલતું હતું અને આ દુર્ઘટના માટે તે પણ જવાબદાર હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી. કેટલાક લોકો વળી સિલિન્ડર વિસ્ફોટનાં કારણે ઈમારત તૂટી પડી હોવાનું પણ કહે છે. જો કે તપાસ પછી જ અકસ્માતનું મૂળ કારણ સામે આવી શકશે. હાલ તો કાટમાળમાં દબાયેલા લોકોને સુરક્ષિત ઉગારવા માટે યુદ્ધનાં ધોરણે કામ ચાલી રહ્યું છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com