બીબીસીની ડોક્યુમેન્ટરી મુદ્દે જેએનયુમાં બબાલ

નવી દિલ્હી, તા. 24 : બીબીસીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરની ડોક્યુમેન્ટરી ફિલ્મનો વિવાદ થંભી રહ્યો નથી. ભારત સરકારે આ ફિલ્મ અને તેની વીડિયો ક્લિપને યુ-ટયુબ અને ટ્વિટર જેવાં પ્લેટફોર્મ ઉપર પ્રદર્શિત થતી પ્રતિબંધિત કરવાનો નિર્દેશ આપ્યા છે. તેમ છતાં દિલ્હીથી લઈને હૈદરાબાદની શિક્ષણ સંસ્થાઓમાં આ ફિલ્મ મુદ્દે રાજનીતિ સળગી ગઈ છે. જેએનયુ યુનિવર્સિટીમાં આજે રાતે આ ફિલ્મના ક્રીનિંગ  મામલે બબાલ થઇ હતી. વિદ્યાર્થી યુનિયન દ્વારા ફિલ્મ બતાવવાની તૈયારી વચ્ચે વહીવટી તંત્રે આજે પરિસરમાં લાઇટ કાપી નાખી હતી. વિદ્યાર્થીઓ આ પગલાંના વિરોધમાં ઊતરી આવ્યા હતા. આ ફિલ્મ જોઇ રહેલા વિદ્યાર્થીઓ પર પથ્થરમારો પણ થયો હતો. પથ્થરમારો કોણે કર્યો તે સ્પષ્ટ નથી પરંતુ ઘટનાને પગલે વાતાવરણ તંગ બન્યું હતું.તો બીજીબાજુ કેન્દ્ર સરકારના આદેશ પછી પણ હૈદરાબાદ યુનિવર્સિટીનાં પરિસરમાં આ વિવાદિત ફિલ્મ દેખાડવામાં આવી હતી. એજ રીતે કેરળમાં સત્તારૂઢ સીપીઆઇ(એમ)ની યુવા પાંખ ડીવાયએફઆઇએ પણ આ વિવાદિત ફિલ્મ `ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન' દેખાડવામાં આવશે. આ ઉપરાંત કેરળમાં કોંગ્રેસ સંલગ્ન સંગઠનો દ્વારા પણ રોક છતાં આ ફિલ્મ દેખાડવાની ઘોષણાઓ કરવામાં આવી છે. કેન્દ્રની રોક છતાં હૈદરાબાદ યુનિવર્સિટીમાં આ ફિલ્મનાં ક્રીનિંગ પછી છાત્ર સંઘ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, તેના તરફથી આમાં કંઈ ખોટું થયું નથી. બીજીબાજુ એબીવીપીની ફરિયાદ ઉપર પ્રશાસને કાર્યવાહી કરવાની વાત કરી છે. કેરળમાં સીપીઆઇ(એમ)ની વિદ્યાર્થી પાંખ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ડીવાયએફઆઈ) દ્વારા ફેસબૂક ઉપર જાહેરાત કરવામાં આવી છે કે, રાજ્યમાં બીબીસીના આ ડોક્યુમેન્ટરી દેખાડવામાં આવશે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust