23 ફેબ્રુ.થી વિધાનસભા સત્ર : બજેટ પર મીટ

અમદાવાદ, તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં નાણાકીય વર્ષ 2023-2024નું બજેટ નાણામંત્રી કનુ દેસાઇ 24 ફેબ્રુઆરીએ રજૂ કરશે. સતત બીજી વખત કનુભાઇ સરકારનું બજેટ રજૂ કરવાના છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેનું કદ રૂા. 2,43,965 કરોડનું હતું જે વર્ષ 2021-22 કરતા રૂા. 16,936 કરોડનો વધારો સૂચવે છે. તાજેતરમાં 156 બેઠકો ભવ્ય વિજય મેળવ્યા બાદ લોકોની આકાંક્ષાને સાકાર કરવા માટે ચાલુ વર્ષ 2023-24નું બજેટનું કદ સંભવત: રૂા. 2,68,361 કરોડનું હોવાની શક્યતા છે. આમ, ગત વર્ષના બજેટના કદની સરખામણીએ નાણાંકીય વર્ષ 2023-24માં બજેટના કદમાં 10 ટકા જેટલો વધારો થઇ શકે છે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જમાવ્યું હતું કે, રાજ્યમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 29મી માર્ચ સુધી ચાલશે. આ સત્ર દરમિયાન સરકાર દ્વારા રજૂ થનારા અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માગણીઓ પર વિધાનસભાગૃહ ચર્ચા થશે. અંદાજપત્ર પર વિધાનસભા ગૃહમાં 16 બેઠકમાં ચર્ચા થશે. સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે 5ાંચ બેઠક રાખવામાં આવી છે. 23 ફેબ્રુઆરીના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે ત્યારે આ વખતના બજેટમાં ખર્ચ ઘટાડવા અને કરકસરના પગલા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ બજેટ નો ચેરિટી કન્સેપ્ટ સાથે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી આ વખતનું બજેટ ફુલગુલાબી નહીં હોય. જેમાં મોટા પ્રમાણમાં જે તે યોજના પાછળ ફંડ વપરાઇ રહ્યું છે તેવી યોજનાઓ બંધ કરાશે અથવા તો તેના માળખામાં ફેરફાર કરાશે.નોંધનીય બાબત એ છે કે, રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી મળતું જીએસટી વળતર બંધ થયું છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, રાજ્ય સરકારને કેન્દ્ર પાસેથી જીએસટીની વળતર પેટેના રૂા. 11,000 કરોડ લેવાના બાકી નીકળે છે. આ સિવાય જીએસટીની ફાળા પેટે મળતી રકમના ગત વર્ષ કરતા વધારો થવાની આશા મંડાઇ રહી છે. બીજી બાજુ રાજ્ય સરકાર આવકનો સ્ત્રોત ઊભો કરવા સંભવત:  વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી કનુ દેસાઇ નવી વધારેલા દરની જંત્રીની જાહેરાત કરે તેવી શક્યતા છે.  નાણાં વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, રાજ્યના જાહેર થનારા અંદાજપત્રમાં આ વખતે સામાજિક સેવા, શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રે વધુ ફાળવણી થાય તેવી સંભાવના છે. સૂત્રોના કહેવા પ્રમાણે, ચૂંટણી પહેલા ભાજપે જાહેર કરેલા સંકલ્પપત્રમાં મા અમૃતમ કાર્ડની 5ાંચ લાખની મર્યાદાના બદલે 10 લાખની મર્યાદાની જાહેરાત કરી હોવાથી સંભવત: આરોગ્યના બજેટમાં ગત વર્ષ કરતા 8 ટકા જેટલા વધારાની શક્યતા દર્શાઇ રહી છે.  તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા તમામ વિભાગોમાં હવે કોઇપણ યુવાનોને કરાર આધારિત નોકરી આપવામાં નહીં આવે પરંતુ તેના બદલે હવે કાયમી નોકરી જ અપાશે એવી જાહેરાત કરાઇ હતી. જેના કારણે દરેક વિભાગોમાં નાણાંની વધુ ફાળવણી થશે. પરિણામે સામજિક સેવાના બજેટમાં પણ વધારો થશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust