કિવીનો સફાયો કરી ટીમ ઇન્ડિયા ફરી નંબર વન

ઇન્દોર તા.24: ન્યુઝીલેન્ડનો 3-0થી સફાયો કરીને ભારત આઇસીસી વન ડે ક્રમાંકમાં ફરી એકવાર શિખર પર પહોંચ્યું છે. ત્રીજી અને આખરી વન ડેમાં ભારતનો 90 રને શાનદાર વિજય થયો હતો. કપ્તાન રોહિત શર્મા અને રનમશીન શુભમન ગિલની સદીથી ભારતે પ0 ઓવરમાં 9 વિકેટે 38પ રન ખડકયાં હતા. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ડવેન કોન્વેની લડાયક સદી  (100 દડામાં 138) બાદ 41.2 ઓવરમાં 29પ રને ઓલઆઉટ થઇ ગઇ હતી. 4પ રનમાં 3 વિકેટ લેનાર શાર્દુલ ઠાકુર પ્લેયર ઓફ ધ મેચ અને બે સદી સાથે કુલ 360 રન કરનાર શુભમન ગિલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયા હતા. કુલદિપ યાદવને પણ 3 વિકેટ મળી હતી. ટીમ ઇન્ડિયા પ્રવાસી ટીમ ન્યુઝીલેન્ડની 3-0થી કલીન સ્વીપ કરી હતી. આ સાથે જ તે આઇસીસી વન ડે ક્રમાંકમાં ન્યુઝીલેન્ડને જ ખસેડીને નંબર વન ટીમ બની છે. ભારતીય ટીમના હવે 114 રેટિંગ પોઇન્ટ છે. જયારે કિવિઝ ટીમ 111 રેટિંગ સાથે ચોથા નંબરે ફેંકાઇ ગઇ છે. બીજા નંબરે ઇંગ્લેન્ડ (113) અને ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયા (113) છે. 386 રનના પહાડ સમાન વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડ તરફથી ઓપનર ડવેન કોન્વેએ એકલવીર બનીને લડાયક સદી કરી હતી. તેણે 100 દડાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગાથી આતશી 138 રન કર્યાં હતા. આ સિવાય હેનરી નિકોલ્સે 42 રન કરીને તેની સાથે બીજી વિકેટમાં 10પ રનની ભાગીદારી કરી હતી. મિચેલે 24, પૂંછડિયા બ્રેસવેલે 26 અને સેંટનરે 34 રનના યોગદાન આપ્યા હતા. જે જીતથી ઘણા દૂર રહ્યા હતા. ભારત તરફથી ચહલને બે અને પંડયાને એક વિકેટ મળી હતી. કપ્તાન રોહિત શર્માની અને રનમશીન શુભમન ગિલની વધુ એક સદીના સથવારે ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધના ત્રીજી અને આખરી વન ડે મેચમાં ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ પર રનનું રમખાણ સર્જીને પ0 ઓવરમાં 9 વિકેટે 38પ રન ખડક્યાં હતા. જે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમનો બીજો શ્રેષ્ઠ સ્કોર છે. અગાઉ 8 માર્ચ 2009ના ક્રાઇસ્ટચર્ચમાં પ0 ઓવરમાં 4 વિકેટે 392 રન કર્યાં હતા.ભારતના દાવની શરૂઆત ધસમસતી રહી હતી. રોહિત અને યુવા સનસની ગિલે પહેલી ઓવરથી જ આક્રમક બેટિંગ કરીને ન્યુઝીલેન્ડની નબળી બોલિંગ લાઇન અપનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. બન્નેએ પાવર પ્લેની 10 ઓવરમાં 82 રન કરીને મોટા સ્કોર તરફ આગેકૂચ કરી હતી. રોહિત-શુભમન વચ્ચે પહેલી વિકેટમાં 1પ7 દડામાં 212 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. રોહિત શર્માએ તેની વન ડે કેરિયરની 30મી સદી ફટકારી હતી. તો શુભમને છેલ્લી ચાર ઇનિંગ્સમાં ત્રીજી સદી ફટકારી હતી. રોહિત શર્મા 8પ દડામાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાથી 101 રને અને શુભમન ગિલ 78 દડામાં 13 ચોગ્ગા-પ છગ્ગાની મદદથી 112 રન કરીને આઉટ થયા હતા. આ પછી ઝડપી રન કરવાના ચક્કરમાં વિરાટ કોહલી 27 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 36 રને આઉટ થયો હતો. ખરતી વિકેટો વચ્ચે હાર્દિક પંડયાએ બેટિંગ ક્ષમતાનો પરિચય આપીને 38 દડામાં 3 ચોગ્ગા-3 સીકરસથી પ4 રન બનાવી આઉટ થયો હતો. શાર્દુલ ઠાકુર 17 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 2પ રને અણનમ રહ્યો હતો. સૂર્યકુમાર (14) ઇશાન (17) વોશિંગ્ટન (9) સસ્તામાં આઉટ થયા હતા. આથી ભારતનો સ્કોર 400 ઉપર પહોંચ્યો ન હતો અને 9 વિકેટે 38પ રન થયા હતા. ન્યુઝીલેન્ડ તરફથી જેકોબ ડફીએ બ્લેયર ટિકનરે 3-3 વિકેટ લીધી હતી.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust