કચ્છ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું પરત લેવા પુન: વિચારણા કરવા માંગ

ગાંધીધામ, તા. 24 : કચ્છના સેવા સદન તથા મધ્યસ્થ, તાલુકા એવા સદનોની અંદર-બહાર ધરણાં, હડતાળ, ભૂખ હડતાળ કે ઉપવાસ પર બેસવાની મનાઈ હુકમ ફરમાવતું જજાહેરનામું પરત લેવા પુન: વિચારણા કરવા માંગ કરવામાં આવી હતી. કચ્છની ભુજ ખાતે આવેલી જિલ્લા કલેકટર કચેરી, તમામ મધ્યસ્થ કચેરીઓ, સેવા સદનોની અંદર કે બહાર 100 મીટરની ત્રિજયામાં મંડળી બનાવી ધરણા, પ્રતીક ધરણાં, ભુખ હડતાળ પર બેસવા કે ચારથી વધુ માણસો એકઠા ન થાય તે બાબતની જિલ્લા કલેકટર દ્વારા મનાઈ જાહેર કરવામાં આવી હતી. આવી કચેરીઓની આસપાસ અડીંગો જમાવીને બેઠા રહતા વચેટીયાઓ લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવે છે. લોકોને ભોળવતા આવા તત્વો તંત્રના ધ્યાને આવતા આવું જાહેરનામું બહાર પડાયું હોવાનો તર્ક આપવામાં આવે છે. ત્યારે યક્ષ પ્રશ્ન છે કે આવા વચેટીયાઓ પર શા માટે તંત્ર સુઓ મોટો પ્રતિબંધ લગાડતું નથી કે કોઈ કડક કાર્યવાહી કરતું નથી. જિલ્લાના તેમજ મધ્યસ્થ, તાલુકા એવા સદનોમાં પડયા પાથર્યા રહેતા આવા તત્વો વિરુદ્ધ શા માટે પગલાં લેવાતા નથી. તંત્ર આવા લોકો સામે લાચાર કેમ છે ? આવી કચેરીઓ દુકાન બની ગઈ છે. ત્યારે અધિકારીઓ, વચેટીયાઓ દ્વારા કરાતો ભ્રષ્ટાચાર ઉઘાડો ન પડે તે માટે આ જાહેરનામું તેમને સંરક્ષણ કે પ્રોત્સાહન રૂપ હોય તેવું પ્રતીત થાય છે. સરકારી કચેરીઓના ભ્રષ્ટાચારને પગલે સામાન્ય લોકો હેરાન પરેશાન છે. આવી સમસ્યાઓ માટે ગાંધી ચિંધ્યા માર્ગે આવેદનપત્ર આપવા એકઠા થવું, ધરણા કરવા, પ્રતિક કે ભુખ હડતાલ પર બેસવું ગુન્હો બને છે? તેવો પ્રશ્ન કરાયો હતો. ચૂંટણીઓ બાદ જિલ્લામાં જુદા-જુદા કારણોસર આવા જાહેરનામા તંત્ર દ્વારા પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. હાલનું આ જાહેરનામું લોકશાહીની હત્યા સમાન છે. આવું જાહેરનામું પરત લેવા તથા પુન: વિચારવા ગાંધીધામ પાલિકાના વિરોધપક્ષના નેતા સમીપ જોશીએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી માંગ કરી હતી.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust