આમલિયારા પાસે બાઈક સ્લીપ થતાં વૃદ્ધનું તત્કાળ મોત
રાપર-ભુજ, તા. 24 : જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવમાં વૃદ્ધ અને યુવાનની જીવનયાત્રા ઉપર પુર્ણવિરામ મુકાઈ ગયું હતું. ભચાઉ તાલુકાના આમલીયારા પાસે બાઈક સ્લીપ થતા 60 વર્ષીય રણમલ બીજલભાઈ કોલીનું સારવાર મળે તે પુર્વે મોત નીપજયું હતું. જયારે ભુજમાં સ્મૃતિવન પાસે પણ બાઈક સ્લીપ થવાથી માધાપરના 39 વર્ષીય યુવાન જીગર હરેશભાઈ જેઠીએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી ભચાઉ તાલુકાના આમલીયારા પાસે માર્ગ અકસ્માતનો બનાવ ગત તા. 23ના સાંજે 6.45 વાગ્યાના અરસામાં બન્યો હતો. જી.જે.12.ઈ.કે. 7092 નંબરની બાઈકના ચાલકે બાઈક પુરઝડપે ચલાવી હતી. આ દરમ્યાન સામે બીજી બાઈક આવતા આરોપીએ પોતાનું વાહન સાઈડમાં લેવા ગયો હતો, પરંતુ કાબૂ ન રહેતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. હતભાગી આધેડને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે સામખીયાળીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ભુજમાં સ્મૃતિવન નજીક જમ્પ પાસે માર્ગ અકસ્માતનો બનાવ ગત તા. 21ના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન ભુજથી માધાપર ઘરે જતો હતો આ દરમ્યાન બાઈક સ્લીપ થતા માથા સહીતના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવાનને ગંભીર હાલતમાં ભુજની કે.કે. હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ આજે સવારે યુવાને દમ તોડયો હતો. બી. ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com