કચ્છમાં રેલવેનાં ચાલતાં કામોને ગતિ અપાશે

ગાંધીધામ, તા. 24 : રેલવે એવું માધ્યમ છે જે ઓછા દરે અને ઝડપથી લોકોને ગંતવ્યસ્થાને પહોંચાડે છે. કચ્છમાં રેલવેનાં અનેક કામો ચાલુ થયાં છે અને થવાનાં છે. આ તમામ કામોને ગતિશીલતા અપાવવાની દિશામાં કાર્ય કરાશે તેવું ગાંધીધામ એરિયાના નવા રેલવે એરિયા મેનેજરે નેમ વ્યકત કરી હતી. ભાવગનર ડિવિઝનમાં સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર પદેથી ગાંધીધામ એરિયા રેલવે મેનેજર તરીકે મુકાયેલા આશિષ ધાનિયાએ કચ્છમિત્ર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવે અને સમગ્ર ભારતીય રેલવેમાં ગાંધીધામ સૌથી વધુ ગ્રોથ ધરાવતો વિસ્તાર છે, જેમાં ભુજ અને ગાંધીધામના સ્ટેશન રિડેવોલોપમેન્ટ, ગાંધીધામનું યાર્ડો રિમોડલિંગ, ગતિશક્તિ ટર્મિનલ સહિતનાં કામો મંજૂર થયાં છે અને અનેક પરિયોજનાના સર્વે પણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગતિશક્તિનું સૂત્ર આપ્યું છે તે મુજબ માત્ર ટ્રેનને ગતિ નથી આપવાની, રેલવેનાં ચાલતાં કામોને ગતિ આપવાની છે. કચ્છ  એરિયામાં ચાલતાં કામોમાં ઝડપ લાવી તેમના કાર્યકાળ દરમ્યાન જ પૂર્ણ કરવાની નેમ તેમણે વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રેલવેના ચાલતા કામોથી પ્રવાસીઓ અને ટ્રેડને વધુ લાભ મળશે. સામખિયાળીથી પાલનપુર, સામખિયાળીથી વિરમગામ ડબલિંગ લાઈનનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે લોકોની વધુ પ્રવાસી ટ્રેનની માગણી પણ સંતોષી શકાશે તેવી લાગણી વ્યકત કરી હતી.રતલામ ડિવિઝનમાં ફ્રેટની  કામગીરી સંભાળી હતી. તેમજ અમદાવાદ ડિવિઝનમાં પણ ડિવિઝનલ ઓપરેશન મેનેજર  તરીકે જવાબદારી નિભાવી હતી. અમદાવાદથી ભાવનગર સિનિયર ડી.ઓ.એમ. તરીકે ચાર વર્ષ સુધી જવાબદારી  નિભાવી હતી. આજે  તેમણે ગાંધીધામ એ.આર.એમ. તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust