અંજારમાં વેરા વસૂલાત ઝુંબેશ તેજ : પાંચ હજાર બાકીદારોને નોટિસ અપાઈ

અંજાર, તા. 24 : અંજાર નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની ઝુંબેશ વધુ વેગવાન બનાવીને 5ાંચ હજાર બાકીદારોને નોટિસની બજવણી કરવામાં આવી હતી. બાકી રકમની ભરપાઈ નહીં કરનાર સામે આવનાર સમયમાં જપ્તી, સીલિંગની કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં જુદી-જુદી ટીમ દ્વારા ડોર ટુ ડોર ગટર, પાણી વગેરેના વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ હોર્ડિંગ દ્વારા જાહેર નોટિસ લગાડવા, વાહન દ્વારા પ્રચારનો આરંભ કરવામાં આવ્યો છે. નગરપાલિકા પ્રમુખ લીલાવંતીબેન ડી. પ્રજાપતિ, ઉપપ્રમુખ બહાદુરસિંહ ડી. જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન વિજયભાઈ ડી. પલણ, શાસક પક્ષના નેતા સુરેશભાઈ એ. ટાંક, દંડક વિનોદભાઈ ચોટારા, મુખ્ય અધિકારી પારસભાઈ મકવાણા, કચેરી અધીક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવે સંયુક્ત યાદીમાં શહેરીજનોને બાકી રહેતી લેણાંની રકમ ભરપાઈ કરવા અપીલ કરી હતી. પ્રોપર્ટી ટેક્સ ઈન્સ્પેક્ટર સુરેશભાઈ ઝેડ. છાયા, ટીમ લીડર સંદીપભાઈ ચુડગર, નરશીભાઈ  દાવા, પરેશભાઈ શાહ, બિંદુલભાઈ અંતાણી, તેજપાલભાઈ લોંચાણી, અનસભાઈ ખત્રી તથા કર્મચારીઓ વસૂલાતની કામગીરીમાં જોડાયા છે. જે મિલકતધારકો દ્વારા બાકી રકમની ભરપાઈ નહીં કરવામાં આવે તેમની સામે કડક વસૂલાત ઝુંબેશના ભાગરૂપે વોરંટથી જપ્તી, સીલિંગની કામગીરી તેમજ પાણી, ગટરના જોડાણ કાપવાની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust