નાના પક્ષો અને નોટાના મત હાર જીતમાં ભજવશે નિર્ણાયક ભૂમિકા

નાના પક્ષો અને નોટાના મત હાર જીતમાં ભજવશે નિર્ણાયક ભૂમિકા
ભુજ, તા. 6 : કચ્છમાં વિધાનસભાની છ બેઠક માટે ખેલાયેલા ત્રિપાંખિયા જંગનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે. આઠમીએ હાથ ધરાનારી મતગણતરી બાદ કોનો વિજય થશે અને કોને હારનો સ્વાદ ચાખવો પડશે તે સ્પષ્ટ થઈ જશે. ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ અગાઉની ચૂંટણીઓની જેમ અપક્ષ અને નોટાના મત હારજીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું માનવામાં આવી રહયું છે. 2012 અને 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હારજીતનું અંતર ટકાવારીની દ્રષ્ટિએ ઘણું ઓછું રહયું ત્યારે અન્ય પક્ષની સાથે નોટાના મતે ભજવેલી ભૂમિકા અતી મહત્ત્વની રહી હતી. વર્તમાનમાં સંપન્ન થયેલી ચૂંટણીમાં રાપરમાં સર્વાધિક સાત ઉપરાંત અબડાસામાં 4,ભુજમાં 3, માંડવી અને ગાંધીધામમાં 2-2 તો અંજારમાં એક મળી 19 અપક્ષ તેમજ ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી સહિત બહુજન સમાજ પાર્ટી, એઆઈએએમ સહિતના પક્ષોના ઉમેદવાર મેદાનમાં છે. 2017ની ચૂંટણીની વાત કરીએ તો નાના પક્ષો અને અન્યો 60,000 મત લઈ ગયા હતા જેના કારણે ભાજપ અને કોંગ્રેસને મળેલા મતનો તફાવત માંડ 29,000 જેટલો રહેવા પામ્યો હતો. એજ રીતે અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે 26,000 મત મેળવી ભાજપના ઉમેદવારને જીત અપાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. 2022ની સંપન્ન થયેલી ચૂંટણીમાં જે પ્રકારના પરિમાણો સર્જાયા છે અને પરિબળો સામે આવ્યા છે. તે જોતાં કચ્છની છ બેઠક પર જે કોઈ પણ પક્ષ જીતશે અને જે કોઈ પક્ષને હારનો કડવો ઘૂંટ પીવો પડશે તો તેના પાછળ અન્ય નાના પક્ષો, અપક્ષ અને નોટાએ મેળવેલ મતો જ ઊલટફેર કરવા માટે સમર્થ રહેશે તેવું રાજકીય વિશ્લેષકો દ્રઢતાપૂર્ણ સ્વરે જણાવી રહયા છે. કચ્છના વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં અપક્ષોએ નિર્ણાયક ભૂમિકા ભજવી હોય તેવું અનેકવાર બની ચૂક્યું છે. ભૂતકાળમાં બાબુભાઈ મેઘજી શાહ, સ્વ.જયકુમાર સંઘવી, પુજા ઘેલા ચૌધરી સહિતના મોટા માથાઓએ અપક્ષ તરીકે ચૂંટણીજંગમાં ઝુકાવી મુખ્ય રાજકીય પક્ષોની જીતની રાહને કઠીન બનાવી દીધી હતી. 2017ની ચૂંટણીમાં 21310 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો. આ વખતની ચૂંટણીમાં જે રીતે મતદારેએ મતદાન કરવામાં નીરસતા દેખાડી છે તે જોતાં આ ઉદાસીનતા કોને ફાયદો પહોંચાડશે અને કોને નુકસાન તે તો ગુરુવાર બપોર સુધી સ્પષ્ટ થઈ જશે. નોંધનીય એ પણ છે કે 2017માં 43 અપક્ષો મેદાનમાં હતા આ વખતે મોટા ઘટાડા સાથે અપક્ષો ઓછા નડશે તેવી એક શક્યતા સેવાઈ તો રહી છે પણ જે રીતે મતદાનની ટકાવારીમાં ગાબડું પડયું છે તે જોતાં પરિણામ પર અપક્ષો સહિતના અન્ય પક્ષો અસર પહોંચાડશે તેવી પ્રબળ શક્યતા હાલના તબક્કે દેખાઈ રહી છે.

Crime

© 2023 Saurashtra Trust