કચ્છના છેવાડે લખપત સુધી પહોંચશે રેલવે સેવા

કનૈયાલાલ જોશી તરફથી મુંબઇ, તા. 6 : રેલવે બોર્ડ દ્વારા વેસ્ટર્ન રેલવેના ભુજ-નલિયા સેક્શન સાથે નવી બ્રોડગેજ લાઇનનું એક્સટેન્શન વાયોર સુધી લઇ જવા મંજૂરી મળી ગઇ?છે, જેનું બાંધકામ ચાલુ છે જ્યારે વાયોર-કોટેશ્વર-લખપત બ્રોડગેજ લાઇનનો સર્વે પૂરો થઇ ગયો છે. આમ, કચ્છમાં લખપત સુધી રેલવે સેવા પહોંચી જશે. ગુજરાતી વિચાર મંચ (મુલુંડ)ના માજી પ્રમુખ મહેન્દ્ર સદલાણીએ પી.એમ.ઓ. ઓફિસને લખેલા પત્રમાં ભુજ, નલિયા, વાયોર, કોટેશ્વર લાઇન વિલંબમાં પડી હોવાનું જણાવ્યું હતું. જેના ઉત્તરમાં પી.એમ.ઓ. ઓફિસે આ માહિતી આપી છે. મહેન્દ્રભાઇ સદલાણી (અંજાર)એ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભુજ અને દેશલપર વચ્ચેની રેલવે ટ્રેક 30 કિલોમીટર છે. 2019માં આ ટ્રેક પર પ્રાયોગિક ધોરણે ટ્રેન દોડાવવામાં આવી હોવા છતાં ત્યાર બાદ નિયમિત ટ્રેનસેવા શરૂ કરાઇ નથી. ઓછામાં ઓછું દેશલપર સુધી ટ્રેન દોડાવવી જોઇએ. વાયોર-કોટેશ્વર-લખપતના પ્રોજેક્ટની પડતર રૂા. 1576.12 કરોડ થશે. આ પ્રોજેક્ટ પર રેલવે બોર્ડ વિચારણા કરી રહ્યું છે, જ્યારે ભુજ-દેશલપર વચ્ચે રેલવે સેવા શરૂ કરવાની બાબત ઓપરેટિંગ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, લખપત સરહદનું છેલ્લું ગામ છે. એના પછી કોરીક્રીક છે, જે કાદવિયો વિસ્તાર છે. ત્યાં ભારતનો છેલ્લો પીલર 1175 નંબરનો આવેલો છે એટલે લખપત સુધી રેલવે સેવાના વિસ્તરણનું મહત્ત્વ વધી જાય છે.