ચકચારી હમીરપર હત્યાકેસમાં આરોપી ઘટનાસ્થળે ન હોવા છતાં ફરિયાદમાં દર્શાવાયો

રાપર, તા. 6 : કોરોનાકાળ દરમ્યાન રાપર તાલુકાના હમીરપર ગામે પાંચ જણાની નિપજાવાયેલી હત્યાના કેસમાં પાંચમા નંબરનો આરોપી ઘટનાસ્થળે ન હોવા છતાંય પોલીસે ઈરાદાપુર્વક ફરીયાદમાં દર્શાવાયો હોવાનું જણાવી, આ કેસની પુર્વ વિગતો મુજબ જમીન મુદે ચાલતા ઝઘડામાં ટોળાએ  કારને ઘેરી લઈને અખા જેસીંગભાઈ ઉમટ, પેથાભાઈ ભવનભાઈ રાઠોડ, અમરા જેસંગ ઉમટ, લાલજી અખાભાઈ ઉમટ, વેલા પાંચા ઉમટની ટોળાએ ઘાતક હથીયારો વડે હુમલો કરીને હત્યા નીપજાવી હતી. આ મામલે આડેસર પોલીસ મથકે 22 લોકો સામે હત્યા, ધાડ, લૂંટ, રાયોટીંગ અને હથીયાર ધારા સહિતની કલમો તળે ગુનો  નોંધાયો હતો. આ કેસમાં પાંચમા નંબરે આરોપી સિધ્ધરાજસિંહ ભગુભા વાઘેલા અને તેના પુત્રનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. બનાવ સમયે આરોપી સિધ્ધરાજસિંહ વાઘેલા 25 કીલોમીટર દુર ગામડામાં હતા અને તેના સીસીટીવી કેમેરાની કલીપીંગ પણ સ્થાનિક અને ઉચ્ચ પોલીસ અધિકારીને આપવામાં આવી હતી. પરંતુ કોઈ પણ પ્રકારે તપાસમાં સીસીટીવીના પુરાવાનો નાશ કરીને ઘટનાસ્થળે ન હોવા છતાંય હાજર હોવાનું દર્શાવી ખોટી રીતે ફરીયાદમાં ઉલ્લેખ કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એડવોકેટ તુષાર ગોકાણી મારફત કરવામાં આવેલી આ અરજીમાં હત્યાકેસની પોલીસે કરેલી તપાસ સામે સવાલ ઉઠાવી ન્યાયના હિતમાં તટસ્થ અને ઉચ્ચ સ્તરીય વિશેષ પોલીસ તપાસની માંગણી કરવામાં આવી છે. બે વર્ષ બાદ કરવામાં આવેલી આ અરજીના મુદે ચકચારી હત્યાકાંડ ફરી ચર્ચામાં આવ્યો છે. આગામી સમયમાં આ અરજી અંગે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

Crime

© 2023 Saurashtra Trust