આજે બીજી વન-ડે : ભારત પર શ્રેણી બચાવવાનો પડકાર

આજે બીજી વન-ડે : ભારત પર શ્રેણી બચાવવાનો પડકાર
મિરપુર, તા. 6 : ભારતીય ટીમ બાંગલાદેશ વિરુદ્ધ ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં જ્યારે મેદાનમાં ઊતરશે ત્યારે તેના માટે આ મુકાબલો કરો યા મરો સમાન બની રહેશે. સિનિયર્સ ખેલાડીઓની હાજરીવાળી ટીમ ઇન્ડિયા પર આ મેચમાં દબાણ રહેશે અને સિતારા ખેલાડીઓ પાસેથી સારા દેખાવની આશા રહેશે. પહેલી વન-ડેમાં બાંગલાદેશની ટીમે ભારતના હોઠે આવેલો વિજય પ્યાલો ઝૂંટવી લીધો હતો. તેની આખરી વિકેટ ભારતીય બોલર્સ પાડી શક્યા ન હતા. મહેંદી-મુસ્તાફિઝુરની જોડીએ પ1 રનની ભાગીદારી કરી બાંગલા ટીમને 1 વિકેટે રોચક જીત અપાવી હતી. આ મેચમાં ભારતના ટોચ ક્રમના બેટધરોએ નિરાશ કર્યા હતા અને અંતમાં બોલરો પણ પાણીમાં બેસી ગયા હતા. ભારતીય ટીમ છેલ્લે 201પમાં બાંગલાદેશમાં વન-ડે શ્રેણી મહેન્દ્રસિંહના સુકાનીપદ હેઠળ રમી હતી ત્યારે 1-2થી હારી હતી. છેલ્લી મેચમાં ભારતને જીત મળી હતી. જેનો હિસાબ પણ રોહિતની ટીમ ચૂકતે કરવા માગશે.  વન-ડે વિશ્વ કપને હજુ 10 મહિના બાકી છે, પણ એ સ્પષ્ટ નથી કે ભારતીય ટીમનો દૃષ્ટિકોણ શું છે. ટીમ પાછલા કેટલાક સમયથી ડર વિના રમવાની વાત કરી રહી છે. જો કે, આ રણનીતિને બહુ ઓછી મેચમાં અજમાવી છે. મિરપુરની પીચ બેટધરો માટે સારી નથી, પણ એટલી પણ ખરાબ નથી કે તે ટીમ ફક્ત 186 રનમાં ઓલઆઉટ થઈ જાય. આ શ્રેણીમાં શુભમન ગિલ, સંજૂ સેમસન અને સ્ટાર સૂર્યકુમારે વિશ્રામ દેવાનો તત્કાલીન પસંદ સમિતિનો નિર્ણય ચોંકાવનારો છે. ભારતના સિનિયર બેટધરોને સમસ્યા એ છે કે તેઓ પ્રારંભે વધુ ડોટ બોલ રમે છે. પહેલી વન-ડેમાં ભારતીય ટીમે 42 ઓવર બેટિંગ કરી હતી. જેમાં 2પ ઓવર ડોટ બોલ રમી હતી. આધુનિક ક્રિકેટમાં હવે જ્યારે ઇંગ્લેન્ડ તમામ ફોર્મેટમાં આક્રમકતાથી રમી રહી છે ત્યારે ભારતીય ટીમ એક પગલું આગળ અને ચાર પગલાં પાછળ જઈ રહી છે. બીજી મેચમાં પણ રાહુલ જ વિકેટકીપિંગ કરી શકે છે. આથી ઇશાન કિશને બેંચ પર બેસવું પડશે. રાહુલ ત્રિપાઠી અને રજત પાટીદાર ટીમમાં છે, પણ ટીમ મેનેજમેન્ટ તેમને અજમાવશે કે નહીં તે સ્પષ્ટ નથી. બીજી તરફ પહેલી મેચની જીતથી બાંગલાદેશની ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેનું લક્ષ્ય ભારતીય ટીમને ફરી આંચકો આપીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઇ હાંસલ કરવાનું રહેશે. મેચ સવારે 11-30 વાગ્યાથી શરૂ થશે.

Crime

© 2023 Saurashtra Trust