ભુજના મહિલા કારીગરોને રાષ્ટ્રીય એવોર્ડ

ભુજના મહિલા કારીગરોને રાષ્ટ્રીય એવોર્ડ
ભુજ, તા. 6 : વર્ષ 2017 માટે હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રે જાહેર થયેલ નેશનલ એવોર્ડ અને શિલ્પગુરુ એવોર્ડ માટે ભુજના મહિલા કારીગર ખત્રી નુરબાનુ મહંમદ (શિલ્પગુરુ એવોર્ડ) અને ખત્રી નશરીનબેન ફયાઝ (નેશનલ એવોર્ડ)ને બાંધણી કામમાં ઉત્કૃષ્ટ નમૂના પસંદગી પામ્યા હતા. કોરોનાકાળને લીધે એવોર્ડ સન્માન સમારંભ મોકૂફ રાખવામાં આવેલ હતો, જેનો એવોર્ડ સમારંભ તા. 28-11-22ના વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડના હાથે યોજવામાં આવ્યો હતો. ખત્રી નુરબાનુ મહંમદને શિલ્પગુરુ એવોર્ડ સન્માન સાથે ગોલ્ડ મેડલ, તામ્રપત્ર, સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર અપાયા હતા, તેમજ ખત્રી નશરીનબેન ફયાઝને નેશનલ એવોર્ડ સન્માન સાથે તામ્રપત્ર, સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર અપાયા હતા. ખત્રી નુરબાનુ મહંમદે ટ્રેડિશનલ ડિઝાઇન શિકારી, ચાંદ્રોખણી, શિકારી બોર્ડના ત્રણ દુપટ્ટા બનાવ્યા હતા. તેમના બનાવેલ શ્રેષ્ઠ નમૂનાની પસંદગી સમગ્ર ભારતમાંથી આવેલ નમૂનામાંથી પસંદગી પામ્યા હતા. તેમની પસંદગી શિલ્પગુરુ એવોર્ડ-2017 માટે કરવામાં આવી હતી. તેમના પતિ ખત્રી મામદ અલીમામદ (અધાભા)ને પણ વર્ષ 2017માં બાંધણીકામ માટે શિલ્પગુરુ એવોર્ડ મળ્યો હતો. ખત્રી નશરીનબેન ફયાઝને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના હાથે એવોર્ડ એનાયત કરાયો હતો. બાંધણીમાં જ્યોર્જટ બનારસી શિકારી ડિઝાઇનનો મલ્ટીકલર દુપટ્ટો બનાવ્યો હતો જે ઉત્કૃષ્ટ નમૂના તરીકે વર્ષ 2017 માટે નેશનલ એવોર્ડમાં પસંદગી પામ્યો હતી. તેમના પતિ ખત્રી ફયાઝ હુસેને વર્ષ 2000માં હેન્ડબ્લોક પ્રિન્ટમાં નેશનલ મેરિટ સર્ટિફિકેટ પ્રાપ્ત થયો હતો. તેમજ 2017માં અન્ય બે મહિલા કારીગર ખત્રી બિલ્કિશબાનુ અલીમામદ અને સોનેજી ખૈરૂન્નીશાબેન અબ્દુલ-અઝીઝ-ભુજને બાંધણીકામ માટે નેશનલ મેરિટ સર્ટિફિકેટ મળેલ છે. ભુજ હેન્ડીક્રાફ્ટ વિભાગના ડાયરેક્ટર રવિવીર ચૌધરી સાથે રહ્યા હતા.

Crime

© 2023 Saurashtra Trust