`કચ્છનાં પર્યાવરણને જાળવજો હો!''

`કચ્છનાં પર્યાવરણને જાળવજો હો!''
કેયૂર વૈદ્ય દ્વારા ભુજ, તા. 6 : કચ્છ પ્રદેશમાં એક એવું આકર્ષણ છુપાયું છે જે મેં અન્ય પ્રદેશોમાં હજુ સુધી અનુભવ્યું નથી. અહીંનું પર્યાવરણ પણ આ પ્રદેશ જેવું જ અનોખું છે. કચ્છમાં ઔદ્યોગિકીકરણના આગમને આબોહવા સામે થોડા પ્રશ્નો જરૂર સર્જ્યા છે તેવું કચ્છના પર્યાવરણના અભ્યાસ માટે છેક કેરળથી આવેલી અને એનોમેન્ટલ સાયન્સમાં એમએસસી થયેલી એગ્નસ મરિયમ એન્ટનીએ જણાવ્યું હતું. દેશમાં અનોખી કહી શકાય તેવી `ટ્રાવેલર્સ યુનિવર્સિટી'ની છાત્રા એવી એગ્નસ તેના અભ્યાસ પ્રોજેક્ટ માટે થોડા દિવસથી કચ્છમાં છે. તેણે કચ્છમિત્ર સાથે વાતચીત કરતાં કહ્યું કે, પર્યાવરણ કે આબોહવાની કોઈ પણ સમસ્યા પેદા થાય તો લોકો તેના માટે જળવાયુ પ્રદૂષણ પર દોષનો ટોપલો ઢોળતા હોય છે, પરંતુ હકીકતમાં તેવું નથી એ વાતને સમજાવવા અને અદકેરી આબોહવાનું જતન કરવાની જાગૃતિ કેળવવાનો તેનો પ્રયાસ રહેશે. ચાર યુવાન દ્વારા સ્થાપિત અને પ્રવાસ કરીને શીખવાની ઈચ્છા ધરાવનારાઓ માટે સ્થપાયેલી આ યુનિવર્સિટી મૂળ ઉત્તરાખંડની છે. ઉત્તરાખંડના સહયાત્રી ફાઉન્ડેશન સંચાલિત આ યુનિવર્સિટી પ્રવાસના માધ્યમથી લોકોને અનુભવાત્મક શીખવાના અવસર પ્રદાન કરે છે અને જ્ઞાનપ્રણાલીઓનું દસ્તાવેજીકરણ કરી પુસ્તકો તથા મલ્ટીમીડિયા પ્રકાશિત કરે છે. એગ્નસે કહ્યું કે, તે આ વિશ્વવિદ્યાલય દ્વારા ફેલોશિપ હેઠળ દેશનાં પર્યાવરણને જાણવા નીકળી છે. તેણે કહ્યું કે, તેણે તામિલનાડુના શિવલિંગીથી પોતાનો અભ્યાસ પ્રવાસ શરૂ કર્યો હતો અને તે પછી અત્યાર સુધીમાં મધ્યપ્રદેશ (ઈન્દૌર), કોરાટપુર (ઓરિસ્સા), વેંગુર્લા(મહારાષ્ટ્ર) જઈ આવી છે અને હાલમાં કચ્છમાં છે. તે અહીં પર્યાવરણની સ્થિતિ, લોકો અહીંનાં પર્યાવરણ સાથે તાલમેલ સાધી કઈ રીતે જીવે છે તેના વિશ્લેષણ ઉપરાંત ચેરિયાની આબોહવા પર અસર અંગે અભ્યાસ કરશે. આ માટે લોકો સાથે તેમજ કાર્યરત સંસ્થાઓ સાથે વાતચીત પણ કરશે. એગ્નસે કહ્યું કે, તેનો આ પ્રવાસ એટલા માટે વિશિષ્ટ છે કે પહેલી ઓગસ્ટે અભ્યાસ પ્રવાસ માટે બહાર નીકળ્યા બાદ તે પોતાના પરિવારને મળી નથી. રોકાણ પણ હોટેલમાં નહીં, લોકોને ઘેર કરવાનું રાખ્યું છે જેથી લોકો સાથે વાતચીત દ્વારા તે પર્યાવરણ જાળવણીનો અનુરોધ કરી શકે.

Crime

© 2023 Saurashtra Trust