`કચ્છ એક્સપ્રેસ'' ફિલ્મનું ટ્રેલર લોન્ચ

`કચ્છ એક્સપ્રેસ'' ફિલ્મનું ટ્રેલર લોન્ચ
મુંબઈ, તા.6 : દેશભરના સિનેગૃહોમાં થોડા જ સમયમાં રીલિઝ થનારી ગુજરાતી ફિલ્મ `કચ્છ એક્સપ્રેસ'નું ટ્રેલર આજે મુંબઈના પીવીઆર આઈકનમાં ફિલ્મના તમામ કલાકારોની હાજરીમાં ભવ્ય અંદાજમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલર લોન્ચ સમયે રત્ના પાઠક શાહ, માનસી પારેખ, દર્શીલ સફારી, વિરાફ પટેલ, ધર્મેન્દ્ર ગોહિલ, નિર્દેશક વિરલ શાહ, નિર્માતા પાર્થિવ ગોહિલ, મંજરી ફડનવીસ, અનંત દેસાઈ સહિતના સિતારાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કલાકારોએ ત્યાં ઉપસ્થિત દર્શકોને ફિલ્મ નિહાળવા અને પોતાનો પ્રેમ દર્શાવવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉમદા અભિનેત્રી તરીકે પોતાની ઓળખ ધરાવનારી રત્ના પાઠક શાહ પહેલી વખત કોઈ ગુજરાતી ફિલ્મમાં નજર આવશે. ફિલ્મના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ સંપૂર્ણ પારિવારિક અને મનોરંજક હશે. જ્યારે તમારો પરિવાર જ તમારી દુનિયા હોય અને તમારા માટે તમારા પતિ જ સર્વસ્વ હોય તેવા સંજોગોમાં ઘરેલુ મહિલા એવું વિચારતી હોય છે કે તેને જિંદગીમાં બીજું શું જોઈએ પરંતુ જ્યારે તેના માટે આ વિચારધારા એક ભ્રમ સાબિત થાય તે પછી મહિલા પાસે કયો રસ્તો બચે છે કચ્છ એક્સપ્રેસમાં આવા જ સંબંધોના તાણાવાણાને કલાત્મક રીતે ઉપસાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કચ્છ એક્સપ્રેસનું નિર્માણ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે કર્યું છે. આ ફિલ્મ આવતા વર્ષના આરંભે જ એટલે કે છઠ્ઠી જાન્યુઆરીના સિનેગૃહોમાં રજૂ થશે.

Crime

© 2023 Saurashtra Trust