બ્રાઝિલ 17મી વખત વિશ્વ કપની ક્વાર્ટર ફાઇનલમાં

બ્રાઝિલ 17મી વખત   વિશ્વ કપની ક્વાર્ટર ફાઇનલમાં
દોહા, તા. 6 : ઇજા બાદ વાપસી કરનાર ફિટ સ્ટાર સ્ટ્રાઇકર નેમારની શાનદાર રમતથી પાંચ વખતની પૂર્વ વિશ્વવિજેતા બ્રાઝિલની ટીમ ગઇકાલે મોડી રાત્રે રમાયેલા પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં દ. કોરિયાને 4-1 ગોલથી હાર આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. જ્યાં તેની ટક્કર ગત વિશ્વ કપની ઉપવિજેતા ટીમ ક્રોએશિયા વિરુદ્ધ થશે. તેણે જાપાન સામે પેનલ્ટી શૂટઆઉટમાં 3-1થી દિલધડક વિજય મેળવ્યો હતો. દ. કોરિયા સામેની મેચમાં બ્રાઝિલે તમામ 4 ગોલ પ્રથમ હાફમાં કર્યા હતા. નેમારે પેનલ્ટીમાં ગોલ કર્યો હતો અને આ સાથે તે બ્રાઝિલ તરફથી સર્વાધિક ગોલ કરનાર કિંગ પેલેના રેકોર્ડની નજીક પહોંચી ગયો હતો. નેમાર નેશનલ ટીમ તરફથી 76 ગોલ કરી ચૂક્યો છે. તે હવે મહાન પેલેથી એક ગોલ પાછળ છે. પેલે હાલ સાઓ પાઉલોમાં હોસ્પિટલમાં છે. બ્રાઝિલે કોરિયા સામેની જીત પેલેને સમર્પિત કરીને તેઓ જલ્દીથી સાજા થાય તેવી દુઆ કરી હતી. મેચમાં બ્રાઝિલ તરફથી પહેલો ગોલ 7મી મિનિટે વિનિ જુનિયરે કર્યો હતો. 13મી મિનિટે નેમારે પેનલ્ટીથી ગોલ કરીને બ્રાઝિલને 2-0થી આગળ કર્યું હતું. આ પછી રિચર્લિસન 23મી અને લુકાસ પેકવતાએ 36મી મિનિટે ગોલ કરીને બ્રાઝિલની જીત નિશ્ચિત કરી દીધી હતી. કોરિયા તરફથી એકમાત્ર ગોલ 76મી મિનિટે પેક સોન્ગ હોએ કર્યો હતો. આ જીત સાથે બ્રાઝિલ 17મી વખત ફૂટબોલ વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.

Crime

© 2023 Saurashtra Trust