જાપાન સામેની જીત બાદ ક્રોએશિયાનો ગોલકીપર લિવાકોવિચ નેશનલ હીરો

અલ વક્રાહ (કતાર),  તા. 6 : ગોલકીપર ડોમિનિક લિવાકોવિચ ક્રોએશિયાનો હીરો બની ગયો છે. જાપાન સામેની પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં 3-1ની જીતથી ક્રોએશિયાની ટીમ સતત બીજા ફૂટબોલ વર્લ્ડ કપના અંતિમ-8 રાઉન્ડમાં પહોંચી છે. ટીમની આ જીતનો હીરો ગોલકીપર લિવાકોવિચ બની રહ્યો હતો. તે ગોલ પોસ્ટ પર દીવાલ બની ઊભો રહ્યો અને જાપાનના પેનલ્ટીના ચાર પ્રયાસમાંથી ત્રણ રોકીને ક્રોએશિયાને રોમાંચક જીત અપાવી હતી. ક્રોએશિયાની જાપાન સામેની જીત બાદ આખા ક્રોએશિયા દેશમાં જશ્નનો મહોલ રહ્યો હતો. લોકો સડક પર ટીમના અને ખાસ કરીને ગોલકીપર લિવાકોવિચના પોસ્ટર લઇને નીકળી પડયા હતા. પ્રી. ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની અને બાદમાં બ્રાઝિલ સામે દ. કોરિયાની હાર સાથે એશિયન ટીમની વિશ્વ કપની સફળ સમાપ્ત થઇ છે. એશિયા ઝોનમાંથી ક્વોલિફાય થનાર ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રી. ક્વાર્ટરમાં આર્જેન્ટિના સામે હારી હતી. ગઇકાલે રમાયેલા ક્રોએશિયા-જાપાન વચ્ચેના મેચમાં નિર્ધારિત 90 અને વધારાની 30 મિનિટમાં સ્કોર 1-1ની બરાબરી પર રહ્યો હતો. આથી પેનલ્ટી શૂટઆઉટમાં ફેંસલો આવ્યો હતો.

Crime

© 2023 Saurashtra Trust