હકારાત્મકતાને રજૂ કરતાં રમેશ તન્નાનાં પુસ્તકો સમાજ પર મોટી અસર કરી છે

હકારાત્મકતાને રજૂ કરતાં રમેશ તન્નાનાં પુસ્તકો સમાજ પર મોટી અસર કરી છે
અમદાવાદ, તા.6 :જાણીતા લેખક અને પત્રકાર રમેશ તન્નાનાં પોઝિટિવ સ્ટોરીઝ્ શ્રેણીનાં પુસ્તકો `સમાજની સારપ' અને `સમાજની મિત્રતા`નું સમાજ-નાયકોના હસ્તે સૌરભ ઉદ્યાનમાં લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ ડો. નરેન્દ્ર શાસ્ત્રીના ગાનથી થયો હતો એ પછી ચંદ્રકાન્ત કોટેચાએ વાંસળી-વાદન કર્યું હતું. આકૃતિ મિશ્રાએ નૃત્ય અને કેનેડાથી આવેલાં સુપ્રિયા ચાવડાએ તલવાર-નૃત્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે પદ્મશ્રી જોરાવરાસિંહ જાદવે જણાવ્યું હતું કે સમાજની હકારાત્મકતાને રજૂ કરતાં રમેશ તન્નાનાં પુસ્તકોએ સમાજ પર મોટી અને સારી અસર કરી છે. સમાજના ખૂણે ખૂણે માનવતાવાદી અને સુંદર કાર્યો કરતા લોકો અને સંસ્થાઓને તેઓ ઉજાગર કરે છે. ડંકેશ ઓઝાએ પણ પોઝિટિવ લેખનને બિરદાવતાં જણાવ્યું હતું કે સમાજધર્મી પત્રકાર રમેશ તન્ના પોઝિટિવ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર છે. સમાજમાં ઠેર ઠેર ઉત્તમ કાર્ય થાય છે તેને શોધીને સમાજ સામે રજૂ કરવાથી હકારાત્મક વાતાવરણ ઊભું થાય છે. નવી સવાર સંસ્થા વતી અનિતા તન્નાએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે લેખક રમેશ તન્નાએ જણાવ્યું હતું કે, સમાજમાં પ્રચુર માત્રામાં પોઝિટિવિટી છે. ઉત્તમ રીતે જીવનારા અને નિ:સ્વાર્થભાવે કાર્ય કરનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. જ્યારે પોઝિટિવિટીનાં પુસ્તકો સમાજ સુધી પહોંચે છે ત્યારે તેની ઘણી ઉમદા અને ઉત્તમ અસર પડે છે. આ પુસ્તકો લોકોને જીવવાનું બળ, નવી આશા, નવી ઊર્જા અને નવો ઉત્સાહ આપે છે તેનો મને આનંદ છે. આ સમારંભમાં જાણીતા સાહિત્યકારો, કેળવણીકારો, સમાજસેવકો, કર્મશીલો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલાં લેખકનાં પોઝિટિવ સ્ટોરીઝ્ શ્રેણીનાં છ પુસ્તકો `સમાજનું અજવાળું', `સમાજની સુગંધ', `સમાજની સંવેદના', `સમાજની કરુણા', `સમાજની નિસબત' અને `સમાજની સુંદરતા' પ્રકાશિત થયાં છે. જાણીતા ચિત્રકાર કનુભાઈ પટેલ અને ચારૂતર કેળવણી મંડળના માનદ્ મંત્રી શાંતિભાઈ પટેલના હસ્તે, કેન્દ્રની સંગીત-નાટ્ય અકાદમીમાં વાઈસ ચેરમેન તરીકે નિમણૂક પામનારા પદ્મશ્રી જોરાવરાસિંહ જાદવનું અભિવાદન કરાયું હતું.

Crime

© 2023 Saurashtra Trust