અંજાર-ગળપાદર માર્ગે તંત્રની બેદરકારી અકસ્માત નોતરશે

અંજાર-ગળપાદર માર્ગે તંત્રની બેદરકારી અકસ્માત નોતરશે
ગાંધીધામ, તા. 6 : અંજાર-ગળપાદર ચારમાર્ગીય ધોરીમાર્ગ ઉપર માર્ગ સલામતી અને સુરક્ષા મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી મોટી હોનારત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. ગળપાદર - મુંદરા ધોરીમાર્ગની મંદ ગતિએ ચાલતી ગતિવિધિને લઈને ભૂતકાળના સમયમાં ગળપાદરના સ્થાનિકોએ અનેક વિરોધ પ્રદર્શન સાથે દેખાવો કર્યા હતા. વિરોધાત્મક ઘટનાક્રમ વચ્ચે માંડ કામ પૂર્ણતાની આરે આવ્યું છે. અંજાર - ગળપાદર ચારમાર્ગીય રોડ પર અનેક સ્થળોએ રેલિંગ, લોખંડની જાળીઓ લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે. તૂટેલા ભાગોમાંથી ગમે ત્યારે પશુઓ અથવા અચાનક કોઈ વાહન માર્ગ ઉપર આવી જવાને કારણે ગંભીર અકસ્માત થવાની શકયતાઓ પ્રબળ બની છે. માર્ગ ઉપર અમુક ભાગોમાં રોડલાઈટો કેટલાય વર્ષોથી બંધ હાલતમાં છે. આ અંધકાર તળે ભૂતકાળમાં ચોરી, લૂંટ સહિતના ગુનાહિત બનાવો બન્યા છે. બંધ લાઈટે અહીંથી પસાર થતા લોકોની સુરક્ષા માટે અનેક સવાલો ખડા થાય છે. અંજાર નાયબ પોલીસ અધીક્ષકની કચેરી નજીક ઓવરબ્રિજની દીવાલનો ભાગ લટકતી હાલતમાં છે. આ ઉપરાંત હોલિડે રિસોર્ટ નજીક અંજારથી ગળપાદર તરફના માર્ગે બે વીજ થાંભલા પડે તેવી સ્થિતિએ ઊભા છે. અકસ્માત સર્જાવાની રાહમાં ઊભેલા થાંભલાઓ પૈકી એક થાંભલો ચાર નટમાંથી એક ઉપર આધારિત હોવાનું ધ્યાને આવ્યું હતું. આવા થાંભલાઓ કોઈના વહાલસોયાનો ભોગ લેશે તેવી ચિંતા અહીંથી પસાર થતા મુસાફરોએ કરી હતી. જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્ગ સલામતી અને સુરક્ષાની જવાબદારી જેના શિરે છે તેવા નેશનલ હાઈવે ઓથોરિટીના કેટલાક બાબુઓને ટેબલ નીચેની પ્રસાદી મળતી હોવાના કારણે માર્ગ અકસ્માત અટકાવવા માટે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવાતી હોવાનો આક્ષેપ ઊઠયો છે. તંત્ર દ્રારા આ દિશામાં ઊડીને આંખે વળગે તે પ્રકારની કડક કાર્યવાહી કરાતી નથી. આ ઉપરાંત ગળપાદરથી મુંદરા જતા માર્ગે બંને બાજુ સુરક્ષા મુદ્દે ચૂક હોવાની ફરિયાદો ઊઠી છે. સ્વચ્છ ભારતનો આ માર્ગ ઉપર છેદ ઊડયો હોવાનું ચિત્ર ઊપસ્યું હતું. આ માર્ગ ઉપર વીજબિલ બચાવવા માટે જાણીજોઈને દીવાબત્તી બંધ રખાતી હોવાનું મનાઈ રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વાહનચાલકોના મહામૂલા જીવનદીપ કાયમી પ્રજ્વલિત રહે તે માટે સુરક્ષા અને સલામતી જેવા આવશ્યક મુદ્દા ઉપર વિશેષ ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરે તે સમયની માંગ છે.

Crime

© 2023 Saurashtra Trust