ગાંધીધામમાં કાર દુકાનમાં ઘૂસતાં દોડધામ

ગાંધીધામમાં કાર દુકાનમાં ઘૂસતાં દોડધામ
ગાંધીધામ, તા. 6 : આ શહેર અને સંકુલમાં છેલ્લા ઘણાં સમયથી વાહન ચલાવતી વખતે લવરમૂછિયા અને પિયક્કડો રીતસર આતંક મચાવતા હોવાના બનાવો બન્યા છે. તેવામાં શહેરના વોર્ડ નં. 11-એ.જી. વિસ્તારમાં પૂરપાટ આવતી એક કાર દુકાનમાં ઘૂસી જતાં ભારે દોડધામ થઈ પડી હતી. સદ્ભાગ્યે આ બનાવમાં કોઈને ઈજાઓ થઈ નહોતી. આ સંકુલમાં જેમના બંને પગ દ્વિચક્રીય વાહનથી નીચે નથી પહોંચી શકતા તેવા બાળકો અને લવરમૂછિયા વાહનો લઈને નીકળી પડતા હોય છે. ધૂમ સ્ટાઈલ વાહનો ચલાવતા આવા બાળકો અન્ય લોકો માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે. બીજીબાજુ અમુક પિયક્કડો પણ દ્વિચક્રીય અને કાર ધૂમ સ્ટાઈલમાં હંકારતા હોય છે. થોડા સમય પહેલાં શહેરના કચ્છ કલા રોડ ઉપર પણ નંબર પ્લેટ વગરની કારે પોલીસ અને ટ્રાફિક વોર્ડનને દોડતા કરી મૂક્યા હતા. આ કારચાલકના કારણે અન્ય લોકોના જીવ પણ પડીકે બંધાયા હતા. શહેરમાં ફરતા અનેક વાહનોમાં નંબર પ્લેટ નથી તેમજ મોટાભાગના વાહનોમાં કાળા કાચ દેખાતા હોય છે. શહેરના મહેશ્વરીનગર પાછળ રામદેવપીર સોસાયટી તથા 9-બી ચોકડી વચ્ચે આવેલા વિસ્તારમાં ગઈકાલે અકસ્માત સર્જાયો હતો. ટ્રાફિકથી સતત ધમધમતા આ માર્ગ ઉપર ગઈકાલે બપોરે એક મોટી કાર તીવ્ર ગતિમાં નીકળતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતા. આ માતેલા સાંઢની માફક આવતી બેકાબૂ કારને જોઈને લોકોએ રોડની બાજુએ દોટ લગાવી હતી. આ ફોર્ચ્યુનર કાર પ્રદીપ વૂડ ફર્નિચર નામની દુકાનમાં ઘૂસી ગઈ હતી. જો કે, આ દુકાનમાં રહેલા લોકોને કોઈ ઈજાઓ પહોંચી નહોતી. સદ્ભાગ્યે લોકોનો બચાવ થયો હતો. દુકાનમાં તોતિંગ કાર પૂરઝડપે ઘૂસી જતાં આ દુકાનમાં ભારે નુકસાન થયું હતું. આ બનાવ અંગે સ્થાનિક એ ડિવિઝનમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ કાર કોઈ મોટા માથાના સંબંધીની હોવાનું પણ બહાર આવ્યું હતું. આ પ્રકરણની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Crime

© 2023 Saurashtra Trust