વરસામેડીની સોસાયટીમાં બે ઘરમાંથી રૂા. 29,500ની તસ્કરી

ગાંધીધામ, તા. 6 : અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલી અંબાજી સિટી સોસાયટીના બે બંધ મકાનોના તાળાં તોડી તસ્કરોએ રૂા. 29,500ના સામાનની ચોરી કરી હતી. વરસામેડી અંબાજી સિટી મકાન નંબર 261માં રહેતા મનીષ રોહતાસ શર્મા ગત તા. 18-11ના પોતાના વતન ગયા હતા ત્યારથી તા. 22-11 દરમ્યાન તેમના ઘરમાં તસ્કરોએ હાથ માર્યો હતો. આ બંધ મકાનનાં તાળાં તોડી તેમાંથી પાણી ખેંચવાની બે મોટર, ગેસનું સિલિન્ડર, એલ.ઇ.ડી. ટી.વી., પીવાનો હુક્કો એમ કુલ રૂા. 17,000ની મતાની તસ્કરી કરવામાં આવી હતી. આ જ સોસાયટીના મકાન નંબર 191-192માં પણ તા. 19-11થી 23-11 દરમ્યાન ચોરીનો બનાવ બન્યો હતો. આ મકાનમાં રહેનાર બંટીકુમાર સતીશકુમાર સિન્હા કામ અર્થે ઇંદોર ગયા હતા તેવામાં આ ફરિયાદી યુવાનના મકાનમાંથી હાથ?મારવામાં આવ્યો હતો. આ બંધ મકાનનાં તાળાં તોડી તેમાંથી પાણી ખેંચવાની મોટર, ગેસનું સિલિન્ડર, ઇલેક્ટ્રીક સગડી, ગીઝર, ટ્રીમર, રોકડ રૂા. 10,000 એમ કુલ રૂા. 12,000ની મતા તફડાવવામાં આવી હતી. 14 દિવસ પહેલાં બનેલા આ બનાવો આજે સાંજે પોલીસ ચોપડે ચડતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Crime

© 2023 Saurashtra Trust