સુખપર ગામે જૈન ધર્મમાં દીક્ષાનું મહત્ત્વ સમજાવાયું

સુખપર ગામે જૈન ધર્મમાં દીક્ષાનું મહત્ત્વ સમજાવાયું
ભુજ, તા. 6 : સુખપર ગામના કવિતાબેન અને દર્શનભાઈનો 12 વર્ષનો પુત્ર દેવકુમાર 14 ડિસેમ્બરના પૂના ખાતે શ્રમણીગણનાયક આચાર્ય અભયશેખર સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં જૈન ભગવતી દીક્ષા ગ્રહણ કરશે. મુમુક્ષુ દેવકુમારની દીક્ષા નિમિત્તે સુખપરમાં કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય શ્રીમદ્દ વિજય યશોવિજયસુરિજી તથા સાધ્વીજી વિશિષ્ટપ્રજ્ઞા મહારાજનું સામૈયું કરાયું હતું. સવારે વરસીદાનની શોભાયાત્રા નીકળી હતી. બપોરે આચાર્ય યશોવિજય સુરીજીએ જૈન ધર્મમાં દીક્ષાનું મહત્ત્વ સમજાવ્યું હતું અને નાની ઉંમરે દીકરાને દીક્ષાની અનુમતી આપનાર માતા-પિતાને ધન્યવાદ આપ્યા હતા. ત્યાર બાદ સુખપર જૈન સંઘ, માકપટ જૈન ગુર્જર સમાજ, નખત્રાણા જૈન સંઘ, અંગિયા જૈન સંઘ, વિથોણ જૈન સંઘ, પાર્શ્વ વલ્લભ તીર્થ, મંજલ જૈન સંઘ, સામત્રા જૈન સંઘ, માનકૂવા જૈન સંઘ, ભુજ માકપટ પરિવાર, માધાપર જૈન સંઘ, વર્ધમાનનગર જૈન સંઘ, ગાંધીધામ માકપટ પરિવાર અને જાખલિયા મહેતા પરિવાર દ્વારા મુમુક્ષુ દેવકુમારનું બહુમાન કરાયું હતું. આ પ્રસંગે માકપટ જૈન સમાજના પ્રમુખ વિનોદભાઈ શેઠ, પાર્શ્વવલ્લભ ટ્રસ્ટના પ્રમુખ વિરસેનભાઈ શાહ, ભુજ તપગચ્છ સંઘના પ્રમુખ કીર્તિભાઈ શાહ, આરાધના ભવન ભુજના પ્રમુખ કમલનયન મહેતા, ઉપધાન તપના દાતા સુનીલભાઈ શાહ, જાખલિયા મહેતા પરિવારના મહેન્દ્રભાઈ મહેતા સાથે માકપટ વિસ્તારના તમામ સંઘ અને પરિવારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે તપોવન અમદાવાદથી આવેલા કેતુલભાઈ અને ગૌરવભાઈ મુંબઈના સંગે વિદાયસમારંભનું આયોજન કરાયું હતું. સમારંભના અંતે દેવકુમારે માતા-પિતાના ચરણ દૂધથી ધોઈ અને અક્ષતના વધામણાં કર્યા હતા. સુખપર સંઘ અને સમસ્ત માકપટ સમાજનું ઋણ સ્વીકાર કર્યું હતું. ત્રણેય ટાઈમની સાધર્મિક ભક્તિનો લાભ મહેતા મનસુખભાઇ વસનજી પરિવાર, સુખપર જૈન સંઘ અને જાખલિયા મહેતા પરિવારે, રાત્રે વિદાય સમારંભનો લાભ ઉપધાન તપના દાતા પરિવારે લીધો હતો. સંચાલન સુખપર જૈન સંઘે કર્યું હતું, સુખપર જૈન યુવક મંડળે જહેમત ઉઠાવી હતી, તેવું યાદીમાં મહેશ મહેતાએ જણાવ્યું હતું.

Crime

© 2023 Saurashtra Trust