ડીપીએમાં બસ ચેકિંગ કામગીરીને લઇને મુશ્કેલીની રાવ : કામદાર સંગઠનનો વિરોધ

ગાંધીધામ, તા. 5 : અહીંના દીનદયાળ મહાબંદર પ્રાધિકરણ હસ્તકના કંડલા બંદર તથા અન્ય સ્થળોએ કર્મચારીઓને લાવતી-લઇ જતી બસોના ચેકિંગની કામગીરીનો કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયને સખત વિરોધ કરીને આ કામગીરીને કર્મચારીઓની બિનજરૂરી કનડગત બતાવી છે અને ડીપીએ ઉપાધ્યક્ષના આ પગલાંનો રોષપૂર્ણ વિરોધ કર્યો છે. એચ.એમ.એસ. યુનિયનના અધ્યક્ષ એલ. સત્યનારાયણે પાઠવેલા પત્રમાં ડીપીએ અધ્યક્ષને જણાવ્યું છે કે, ડીપીએના શ્રમ વિભાગ તથા જી.એ. વિભાગના અધિકારીઓ દ્વારા ગાંધીધામ, આદિપુર અને અંજારથી કંડલા લઇ જતી-લઇ આવતી બસમાં ઉપાધ્યક્ષની સૂચનાને પગલે દૈનિક ધોરણે ચેકિંગ હાથ ધરાય છે. કર્મચારીઓ તેમને સોંપાયેલી ફરજમાં હાજરી આપ્યા બાદ પરત ફરતા હોય છે ત્યારે બસમાં કરાતાં ચેકિંગને લઇને તેઓ સમયસર ઘરે પરત પહોંચી શકતા નથી. આમ પણ કંડલા રસ્તે ફ્લાયઓવરના કામને કારણે ટ્રાફિક જામને લઇને વિલંબ થતો હોય છે તેમાં હવે ચેકિંગને લઇને મુશ્કેલીમાં વધારો થયો છે. હવે શિયાળો શરૂ થયો હોવાથી સાંજે અંધારું વહેલું થઇ જાય છે. આવામાં મહિલાઓ સહિતના કર્મચારીઓને ઘરે પહોંચવામાં મોડું થતાં અનેક જાતની કનડગતનો અનુભવ થઇ રહ્યો છે. ડીપીએના ઉપાધ્યક્ષ ઉપર સંગઠને કામદારો અને પ્રશાસનના ઔદ્યોગિક સંબંધો બગાડવા આ પ્રકારની પજવણી થતી હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે તથા મહાબંદરને વર્ષોથી દેશમાં સ્થાન મળે તે પછવાડે આ ઔદ્યોગિક શાંતિ મુખ્ય પરિબળ છે. જો તે ખોરવાશે તો મુશ્કેલી સર્જાશે તેવી ભીતિ પત્રમાં વ્યક્ત કરાઇ છે.

Crime

© 2023 Saurashtra Trust