જયંતી ભાનુશાળી હત્યાકેસમાં શાર્પ શૂટરના વચગાળાના જામીન ફગાવાયા

રાપર, તા. 4 : અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાકેસના આરોપીની વચગાળાની જામીન અરજી ભચાઉની કોર્ટે ફગાવી દીધી છે. દરમ્યાન કેસના મુખ્ય સુત્રધારની તબીયત બગડતા તેમને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે મળતી વિગતો મુજબ શાર્પ શૂટર સુરજીત ઉર્ફે ભાઉ દેવીસીંગ પરદેશીની માતાનું વર્ષ 2019માં અવસાન થયું હતું. માતાની મરણોતર વિધિ માટ ઁ શાર્પ શૂટરે ભચાઉની કોર્ટમાં વચગાળાના 20 દિવસના જામીન મેળવવા માટે અરજી કરી હતી. તપાસ અધિકારીઓએ આ અરજી રદ કરવા અપીલ કરી હતી. બન્ને પક્ષની દલીલ સાંભળી જજ પી.ટી. પટેલે આરોપીની અરજી ફગાવી દીધી હતી. માતાનું અવસાન ત્રણ વર્ષ પહેલા થયું છે અને શું વિધિ કરવાની છે તેની કોઈ વિગત અરજી સાથે જોડવામાં આવી નથી તેવી ટીપ્પણી કરી અરજી ફગાવી દીધી હતી. અગાઉ મનિષા ગોસ્વામીએ પણ 30 દિવસના જામીનની અરજી કરી હતી. પરંતુ કોર્ટે ગત તા. 5.11ના રદ કરી હતી. દરમ્યાન પાલારા જેલમાં રહેલા અને હત્યાકેસના મુખ્ય સુત્રધાર અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને છાતીમાં દુ:ખાવો થયો હતો. તેમની તબીયત બગડતા સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.

Crime

© 2023 Saurashtra Trust